પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારી હિંમત વધ્યાં. આ પછી મેં પ્રયોગોનું ક્ષેત્ર ખૂબ વધાર્યું. જખમો, તાવ, અજીર્ણં, કમળો, ઇત્યાદિ દર્દોને સારુ માટીના, પાણીના ને અપવાસના પ્રયોગો નાનાંમોટાં, સ્ત્રીપુરુષો ઉપર કર્યા અને ઘણાખરા સફળ થયા. આમ છતાં જે હિંમત મને દક્ષિણ આફ્રિકામાં હતી તે અહીં નથી રહી, અને અનુભવે એમ પણ જોયું છે કે આ પ્રયોગોમાં જોખમ રહ્યાં જ છે.

આ પ્રયોગોના વર્ણનનો હેતુ મારા પ્રયોગોની સફળતા સિદ્ધ કરવાનો નથી. એક પણ પ્રયોગ સર્વાંશે સફળ થયો છે એવો દાવો કરી શકાય એમ નથી. દાક્તરો પણ એવો દાવો ન કરી શકે. પણ હેતુ એટલું જ કહેવાનો છે કે, જેને નવા અપરિચિત પ્રયોગો કરવા હોય તેણે પોતાનાથી આરંભ કરવો જોઇએ. આમ થાય તો સત્ય વહેલું પ્રગટ થાય છે ને તેવા પ્રયોગો કરનારને ઇશ્વર ઉગારી લે છે.

માટીના પ્રયોગોમાં જે જોખમો હતાં તે જ યુરોપિયનોના નિકટ સમાગમમાં હતાં. ભેદ માત્ર પ્રકારનો હતો. પણ એ જોખમોનો મને પોતાને વિચાર સરખો પણ નથી આવ્યો.

પોલાકને મારી સાથે જ રહેવાનું નિમંત્રણ આપ્યું ને અમે સગા ભાઇની જેમ રહેવા લાગ્યા. પોલાકને જે બાઇ સાથે તેઓ પરણ્યા તેની સાથે મૈત્રી તો કેટલાંક વર્ષો થયાં હતી. બેન્નેએ સમય આવ્યે વિવાહ કરી લેવાનો નિશ્ચય પણ કર્યો હતો. પણ પોલાક કંઈક દ્રવ્યસંગ્રહની રાહ જોતા હતા એવું મને સ્મરણ છે. રસ્કિનનો તેમનો અભ્યાસ મારા કરતાં ઘણો વધારે હતો, પણ પશ્ચિમના વાતાવરણમાં રસ્કિનના વિચારોનો પૂરો અમલ કરવાનું તેમને સૂઝે તેમ ન હતું. મેં દલીલ કરી, 'જેની સાથે હૃદયની ગાંઠ બંધાઇ તેનો વિયોગ કેવળ દ્રવ્યને અભાવે ભોગવવો એ અયોગ્ય ગણાય. તમારે હિસાબે તો ગરીબ કોઇ પરણી જ ન શકે. વળી હવે તમે તો મારી સાથે રહો છો. એટલે ઘરખરચનો સવાલ નથી. તમે વહેલા પરણો એ જ હું તો ઇષ્ટ માનું છું.'

મારે પોલાકની સાથે બે વાર દલીલ કરવાપણું રહ્યું જ નથી. તેમણે તુરત મારી દલીલ ઝીલી લીધી. ભાવિ મિસિસ પોલાક તો વિલાયતમાં હતાં. તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેઓ રાજી થયાં, ને થોડા જ માસમાં વિવાહ કરવા જોહાનિસબર્ગમાં આવી પહોંચ્યાં.