પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આત્મકથા જેવું કાંઈ ન લખો તો ઠીક નહીં ?”

આ દલીલની મારા મન ઉપર થોડીઘણી અસર થઈ. પણ મારે આત્મકથા ક્યાં લખવી છે ? મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે. તેમાં મારું જીવન ઓતપ્રોત હોવાથી કથા એક જીવનવૃત્તાંત જેવી થઈ જશે એ ખરું છે. પણ જો તેમાંથી પાને પાને મારા પ્રયોગો જ નીતરી આવે તો એ કથાને હું પોતે નિર્દોષ ગણું. મારા બધા પ્રયોગોનો સમુદાય પ્રજાની પાસે હોય તો તે લાભદાયી થઈ પડે એમ હું માનું છું, – અથવા કહો કે એવો મને મોહ છે. રાજ્યપ્રકરણી ક્ષેત્રમાંના મારા પ્રયોગો હવે તો હિંદુસ્તાન જાણે છે, એટલું જ નહીં પણ થોડેઘણે અંશે સુધરેલું કહેવાતું જગત પણ જાણે છે. એની કિંમત મારે મન ઓછામાં ઓછી છે. અને તેથી એ પ્રયોગોની મારફતે મને ‘મહાત્મા’નું પદ મળ્યું છે એની કિંમત પણ જૂજ જ છે. કેટલીક વેળા તો એ વિશેષણે મને અતિશય દુઃખ પણ દીધું છે. એ વિશેષણથી હું ફુલાઈ ગયો હોઉં એવી એક પણ ક્ષણ મને યાદ નથી. પણ મારા આધ્યાત્મિક પ્રયોગો, જે હું જ જાણી શકું અને જેમાંથી મારી રાજ્યપ્રકરણી ક્ષેત્ર ઉપરની શક્તિ પણ ઉદ્ભવી છે, તે પ્રયોગોનું વર્ણન કરી જવું મને ગમે ખરું. જો એ ખરેખર આધ્યાત્મિક હોય તો એમાં તો ફૂલણશીને સ્થાન જ નથી. એમાંથી તો કેવળ નમ્રતાની જ વૃદ્ધિ થાય. જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું, મારા ભૂતકાળના જીવન ઉપર દૃષ્ટિ નાખતો જાઉં છું, તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયાં ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે. મારું ચલનવલન બધું એ જ દૃષ્ટિએ થાય છે. મારું લખાણ બધું એ જ દૃષ્ટિએ છે અને મારું રાજ્યપ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવવું પણ એ જ વસ્તુને આધીન છે.

પણ મૂળથી જ મારો અભિપ્રાય રહ્યો છે કે જે એકને સારુ શક્ય છે તે બધાને સારુ શક્ય છે. તેથી મારા પ્રયોગો ખાનગી નથી થયા, નથી રહ્યા. એ સહુ જોઈ શકે એમાં મને તેની આધ્યાત્મિકતા ઓછી થતી હોય એમ નથી લાગતું. એવી કેટલીક વસ્તુઓ અવશ્ય છે કે જે આત્મા જ જાણે છે, આત્મામાં જ શમી જાય છે, પણ એવી વસ્તુ આપવી એ મારી શક્તિ ઉપરાંતની વાત થઈ. મારા પ્રયોગોમાં તો આધ્યાત્મિક એટલે નૈતિક; ધર્મ