પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ પેલી મિત્રતા કંઇ ન છોડી. હું સુધારવા નીકળેલો પોતે જ અભડાયો ને અભડાયાનું મને ભાન સરખું ન રહ્યું.

તે જ સંગને લઇને હું વ્‍યભિચારમાં પણ પડત. એક વેળા મને આ ભાઇ વેશ્‍યાવાડમાં લઇ ગયા. ત્‍યાં એક બાઇના મકાનમાં મને યોગ્‍ય સૂચનાઓ આપીને મોકલ્‍યો. મારે કંઇ તેને પૈસા વગેરે આપવાના નહોતા. હિસાબ થઇ ચૂકયો હતો. મારે તો માત્ર ગોઠડી કરવાની હતી.

હું મકાનમાં પુરાયો તો ખરો. પણ જેને ઈશ્વર ઉગારવા ઈચ્‍છે તે પડવા ઈચ્‍છતો છતાં પવિત્ર રહી શકે છે. આ કોટડીમાં હું તો આંધળો જ થઇ ગયો. મને બોલવાનું ભાન ન રહ્યું. શરમનો માર્યો સ્‍તબ્‍ધ થઇ એ બાઇની પાસે ખાટલા પર બેઠો, પણ બોલી જ ન શકયો. બાઇ ગુસ્‍સે થઇ ને મને બેચાર ‘ચોપડી’ ને દરવાજો જ બતાવ્‍યો.

તે વેળા તો મારી મરદાનગીને લાંછન લાગ્‍યું એમ મને થયું, ને ધરતી મારગ દે તો તેમાં પેસી જવા ઇચ્‍છયું. પણ આમ ઊગર્યાને સારું મેં ઇશ્ર્વરનો સદાય પાડ માન્‍યો છે. આવા જ પ્રસંગ મારી જિંદગીમાં બીજા ચાર આવેલા છે. તેમાંના ઘણામાં, મારા પ્રયત્‍ન વિના, સંજોગોને લીધે હું બચ્‍યો છું એમ ગણાય. વિશુદ્ધ દષ્ટિએ તો એ પ્રસંગોમાં હું પડયો જ ગણાઉં. મેં વિષયની ઇચ્‍છા કરી એટલે હું તે કરી ચૂકયો છતાં, લૌકિક દષ્ટિએ, ઇચ્‍છા કર્યા છતાં પ્રત્‍યક્ષ કર્મથી જે બચે છે તેને આપણે બચ્‍યો ગણીએ છીએ. અને હું આ પ્રસંગોમાં એ જ રીતે, એટલે જ અંશે બચ્‍યો ગણાઉં. વળી કેટલાંક કાર્યો એવાં છે કે જે કરવાથી બચવું એ વ્‍યકિતને અને તેના સહવાસમાં આવનારને બહુ લાભદાયી નીવડે છે, અને જયારે વિચારશુદ્ધિ થાય છે ત્‍યારે તે કાર્યમાંથી બચ્‍યાને સારું તે ઇશ્ર્વરનો અનુગ્રહ માને છે. જેમ ન પડવાનો પ્રયત્‍ન કરતો છતો મનુષ્‍ય પડે છે એવું આપણે અનુભવીએ છીએ, તેમ જ પડવા ઇચ્‍છતો છતો અનેક સંજોગોને કારણે મનુષ્‍ય બચી જાય છે એ પણ અનુભવસિદ્ધ વાત છે. આમાં પુરુષાર્થ કયાં છે. દૈવ કયાં છે, અથવા કયા નિયમોને વશ વર્તીને મનુષ્‍ય છેવટે પડે છે અથવા બચે છે, એ પ્રશ્ર્નો ગુઢ છે. તેનો ઉકેલ આજ લગી થયો નથી અને છેવટનો નિર્ણય થઇ શકશે કે નહીં એ કહેવું કઠિન છે.