પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિવાહ ખર્ચ તો કંઇ જ કર્યું નહોતું. વિવાહનો કંઇ ખાસ પોશાક પણ નહોતો. એમને ધર્મવિધિની ગરજ નહોતી. મિસિસ પોલાક જન્મે ખ્રિસ્તી ને પોલાક યહૂદી હતા. બંનેની વચ્ચે જ સામાન્ય ધર્મ હતો તે નીનિધર્મ હતો.

પણ આ વિવાહનો એક રમૂજી પ્રસંગ લખી નાખું. ટ્રાન્સવાલમાં ગોરાઓના વિવાહની નોંધ કરનારા અમલદાર કાળા માણસના વિવાહની નોંધ લે નહીં. આ વિવાહમાં અણવર તો હું હતો. ગોરા મિત્રને અમે શોધી શક્યા હોત, પણ પોલાક તે સહન કરે તેમ નહોતું. તેથી અમે ત્રણે જણ અમલદારની પાસે હાજર થયા. હું જેમાં અણવર હોઉં એ વિવાહ બંને પક્ષે ગોરા જ હોય એવી અમલદારને શી ખાતરી ! તેણે તપાસ કરવા ઉપર મુલતવી રાખવા માગ્યું. વળતે દિવસે નાતાલનો તહેવાર હતો. ઘોડે ચડેલાં સ્ત્રીપુરુષના વિવાહની નોંધ તારીખ આમ બદલાય એ સહુને અસહ્ય લાગ્યું. વડા માજીસ્ટ્રેટને હં ઓળખતો હતો. તે આ ખાતાનો ઉપરી હતો. હું આ દંપતીને લઇ તેની આગળ હાજર થયો. તે હસ્યો ને મને ચિઠ્ઠી લખી આપી. આમ વિવાહ રજીસ્ટર થયા.

આજ લગી થોડાઘણા પણ પરિચિત ગોરા પુરૂષો મારી સાથે રહેલા. હવે એક પરિચય વિનાની અંગ્રેજ બાઇ કુટુંબમાં દાખલ થઇ. મને પોતાને તો કોઇ દિવસ કશો વિખવાદ થયો હોય એવું યાદ નથી. પણ જ્યાં અનેક જાતિના અને સ્વભાવના હિંદીઓ આવજા કરતા, જ્યાં મારી પત્નીને હજુ આવા અનુભવ જૂજ હતા, ત્યાં તેમને બંનેને કોઇ વાર ઉદ્વેગના પ્રસંગો આવ્યા હશે. પણ એક જ જાતિના કુટુંબને તેવા પ્રસંગો જેટલા આવે તેના કરતાં આ વિજાતીય કુટુંબને વધારે તો આવ્યા નથી જ. બલ્કે, જે આવ્યાનું મને સ્મરણ છે તે પણ નજીવા ગણાય. સજાતીય વિજાતીય એ મનના તરંગો છે. આપણે સૌ એક કુટુંબ જ છીએ.

વેસ્ટના વિવાહ પણ અહીં જ ઊજવી લઉં. જિંદગીના આ કાળે બ્રહ્મચર્ય વિષેના મારા વિચારો પાકા નહોતા થયા. તેથી મારો ધંધો કુંવારા મિત્રોને પરણાવી દેવાનો હતો. વેસ્ટને જ્યારે પિતૃયાત્રા કરવાનો સયમ આવ્યો ત્યારે મેં તેમને બની શકે તો પરણીને જ પાછા આવવાની સલાહ આપી. ફિનિક્સ અમારું બધાનું ઘર થયું હતું ને સૌ ખેડૂત થઈ