પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાળકોને માટે બહુ સારી નીવડી. તેમની પાસે આ કે કોઈ કામ મેં બળાત્કારે કદી નથી કરાવ્યું, પણ તેઓ સહેજે રમત સમજીને પૈડું ચલાવવા આવતા. થાકે ત્યારે છોડી દેવાની તેમણે છૂટ હતી. પણ કોણ જાણે શું કારણ હશે કે, આ બાળકો અગર બીજા જેમની ઓળખ આપણે હવે પછી કરવાની છે તેમને મને તો હમેશાં ખુબ જ કામ આપ્યું છે. ઠરડા બાળકો મારે નસીબે હતાં જ, પણ ઘણાખરા સોંપેલું કામ હોંશથી કરતા. 'થાક્યા' એમ કહેનારા એ યુગના થોડા જ બાળકો મને યાદ છે.

ઘર સાફ કરવાને સારું એક નોકર હતો. તે કુટુંબી થઈને રહેતો, ને તેના કામમાં બાળકો પૂરો હિસ્સો આપતા. પાયખાનું ઉપાડી જનાર તો મ્યુનીસિપાલીટીનો નોકર આવતો, પણ પાયખાનાની કોટડી સાફ કરવી, બેઠક ધોવી વગેરે કામ નોકરને સોંપવામાં નહોતું આવતું; તેવી આશા પણ નહોતી રાખવામાં આવતી. આ કામ અમે જાતે કરતાં ને તેમાં પણ બાળકોને ત્તાલીમ મળતી. પરિણામ એ આવ્યું કે, મૂળથી જ મારા એક પણ દીકરાને પાયખાનાં સાફ કરવાની સૂગ નથી રહેલી, ને આરોગ્યના સામાન્ય નિયમો પણ તેઓ સહેજે શીખ્યા છે. જોહાનિસબર્ગમાં કોઈ માંદા તો ભાગ્યે જ પડતા. પણ જો માંદગીનો પ્રસંગ આવે તો સેવાકામમાં બાળકો હોય જ; ને તેઓ આ કામ ખુશીથી કરતાં.

તેમના અક્ષરજ્ઞાનને વિશે હું બેદરકાર રહ્યો એમ તો નહિ કહું, પણ મેં તેને જતું કરતાં સંકોચ ન ખાધો. ને આ ઊણપને સારું મારા દીકરાઓને મારી સામે ફરિયાદ કરવાનું કારણ રહેલું છે. તેમણે કેટલીક વાર પોતાનો અસંતોષ પણ જાહેર કર્યો છે. આમાં કંઇક અંશે મારે મારો દોષ કબૂલ કરવો જોઈએ એમ માનું છું. તેમણે અક્ષરજ્ઞાન આપવાની ઈચ્છા ઘણી થતી, પ્રયત્ન પણ કરતો, પણ એ કામમાં હમેશાં કંઈક વિધ્ન આવી પડતું. તેમને સારુ ઘેર બીજી કેળવણીની સગવડ નહોતી કરી, તેથી તેમને મારી સાથે ચાલતો ઓફિસે લઇ જતો. ઓફિસ અઢી માઈલ હતી. એટલે સવારસાંજ માલી ઓછામાં ઓછા પાંચ માઈલની કસરત તેમને અને મને મળી રહેતી. રસ્તે ચાલતાં કંઇક શીખવવાનો પ્રયત્ન કરતો, પણ તેયે જો મહેતાઓના પ્રસંગમાં આવે, કંઇક વાંચવાનું