પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપ્યું હોય તે વાંચે, આંટાફેરા કરે, બજારની સામાન્ય ખરીદી હોય તે કરે. સહુથી મોટા હરિલાલ સિવાય બધા બાળકો આ રીતે ઊછર્યા. હરિલાલ દેશમાં રહી ગયો હતો. જો હું તેમને અક્ષરજ્ઞાન આપવા સારુ એક કલાક પણ નિયમિત બચાવી શક્યો હોત તો હું એમ માનત કે તેઓ આદર્શ કેળવણી પામ્યા છે. એવો આગ્રહ મેં ન રાખ્યો એ દુઃખ મને અને તેમને રહી ગયું છે. સહુથી મોટા દીકરાએ તેનો બળાપો અનેક વેળા મારી પાસે તેમ જ જાહેરમાં કાઢ્યો છે, બીજાઓએ હૃદયની ઉદારતા વાપરી એ દોષને અનિવાર્ય સમજી દરગુજર કર્યો છે. આ ઊણપને સારુ મને પશ્વાત્તાપ નથી; અથવા છે તો એટલો જ કે હું આદર્શ બાપ ન નીવડ્યો. પણ તેમના અક્ષરજ્ઞાનનો હોમ પણ મેં ભલે અજ્ઞાનથી છતાં સદ્દ્ભાવે માનેલી સેવાને અર્થે કર્યો છે એવો મારો અભિપ્રાય છે. તેમનાં ચારિત્ર ઘડવા પૂરતું જે કંઈ કરવું ઘટે તે કરવામાં મેં ક્યાંયે ઊણપ નથી રાખી એમ કહી શકું છું. ને પ્રયેક માબાપની આ અનિવાર્ય ફરજ છે એમ હું માનું છુ. મારી મહેનત છતાં તે મારા બાળકોના ચારિત્રમાં જ્યાં ખામી જોવામાં આવી છે તે અમ દંપતીની ખામીઓનું પ્રતિબિંબ છે એવી મારી દ્દઢ માન્યતા છે.

છોકરાંમાં માબાપની આકૃતિનો વારસો જેમ ઊતરે છે તેમ તેમના ગુણદોષનો વારસો પણ ઊતરે જ છે. તેમાં આસપાસના વાતાવરણને કારણે અનેક પ્રકારની વધઘટ થાય છે ખરી, પણ મૂળ મૂડી તો બાપદાદા ઈત્યાદિ તરફથી મળેલી હોય છે તે જ ખરી. એવા દોષોના વારસામાંથી કેટલાંક બાળકો પોતાને બચાવી લે છે એમ મેં જોયું છે. એ આત્માનો મૂળ સ્વભાવ છે, તેની બલિહારી છે.

પોલાક અને મારી વચ્ચે આ બાળકોની અંગ્રેજી કેળવણી વિશે કેટલીક વાર તીખો સંવાદ થયેલો. મેં અસલથી જ માનેલું છે કે, જે હિંદી માબાપો પોતાના બાળકોને બચપણથી જ અંગ્રેજી બોલતાં કરી મૂકે છે તેઓ તેમનો અને દેશનો દ્રોહ કરે છે. મેં એમ પણ માન્યું છે કે, આથી બાળકો પોતાના દેશના ધાર્મિક અને સામાજિક વારસાથી વંચિત રહે છે, ને તેટલે અંશે દેશની તેમ જ જગતની સેવા કરવા ઓછા લાયક બને છે. આવી માન્યતાને લીધે હું હમેશાં ઈરાદાપૂર્વક બાળકોની