પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ આપણે આગળ ચાલીએ.

પેલા મિત્રની મિત્રતા અનિષ્‍ટ છે એ વાતનું ભાન મને હજુયે ન થયું. તેમ થાય તે પહેલા મારે હજુ બીજા કડવા અનુભવો લેવાના જ હતા. એ તો જયારે તેનામાં ન ધારેલા દોષોનું મને પ્રત્‍યક્ષ દર્શન થયું ત્‍યારે જ હું કળી શકયો. પણ હું બને ત્‍યાં લગી વખતના અનુક્રમ પ્રમાણે મારા અનુભવો લખી રહ્યો છું તેથી બીજા હવે પછી આવશે. એક વસ્‍તુ આ સમયની છે તે કહેવી પડે. અમ દંપતી વચ્‍ચે કેટલોક અંતરાય પડતો અને કંકાસ થતો તેનું કારણ આ મિત્રતા પણ હતું. હું આગળ જણાવી ગયો કે હું પ્રેમી તેવો જ વહેમી પતિ હતો. મારા વહેમમાં વૃદ્ધિ કરનાર આ મિત્રતા હતી, કેમ કે મિત્રની સચ્‍ચાઇ ઉપર મને અવિશ્ર્વાસ જ નહોતો. આ મિત્રની વાતો માનીને મેં મારી ધર્મપત્‍નીને કેટલુંક દુઃખ દીધું છે. તે હિંસાને સારું મેં મને કદી માફી નથી આપી. એવાં દુઃખો હિંદુ સ્‍ત્રી જ સાંખતી હશે. અને તેથી મેં હંમેશા સ્‍ત્રીને સહનશીલતાની મૂર્તિરૂપે કલ્‍પી છે. નોકર ઉપર ખોટો વહેમ જાય ત્‍યારે નોકર નોકરી છોડે, પુત્ર ઉપર એવું વીતે તો બાપનું ઘર છોડે. મિત્ર મિત્ર વચ્‍ચે વહેમ દાખલ થાય એટલે મિત્રતા તૂટે. સ્‍ત્રી ધણી ઉપર વહેમ લાવે તો તે સમસમીને બેસી રહે. પણ જો પતિ પત્‍નીને વિશે વહેમ લાવે તો પત્‍નીના તો બિચારીના ભોગ જ મળ્યા. તે કયાં જાય ? ઊંચ મનાતા વર્ણની હિંદુ સ્‍ત્રી અદાલતમાં જઇ બંધાયેલી ગાંઠને કપાવી પણ ન શકે, એવો એકપક્ષી ન્‍યાય તેને સારું રહેલો છે. એવો ન્‍યાય મેં આપ્‍યો તેનું દુઃખ કદી વીસરી શકું તેમ નથી. એ વહેમનો સર્વથા નાશ તો જયારે મને અહિંસાનું સુક્ષ્‍મ જ્ઞાન થયું ત્‍યારે જ થયો. એટલે કે જયારે હું બ્રહ્મચર્યનો મહિમા સમજયો, ને સમજયો કે પત્‍ની પતીની દાસી નથી પણ તેની સહચારિણી છે, સહધર્મિણી છે, બન્‍ને એકબીજાનાં સુખદુઃખનાં સરખાં ભાગીદાર છે, અને જેટલી સ્‍વતંત્રતા સારું નઠારું કરવાની પતિને છે, તેટલી જ સ્‍ત્રીને છે. એ વહેમના કાળને જયાર સંભારું છું ત્‍યારે મને મારી મૂર્ખતા ને વિષયાંધ નિર્દયતા પર ક્રોધ આવે છે, ને મિત્રતાની મારી મૂર્છાને વિશે દયા ઊપજે છે.