પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રૂપે પણ પ્રગટ થઈ ચૂક્યો છે. તેનું અંગ્રેજી*[૧] ભાષાંતર શ્રી વાલજી ગોવિન્દજી દેસાઈ 'કરન્ટ થૉટ' ને સારુ કરે છે, પણ હવે તેને અંગ્રેજીમાં પુસ્તકકરે ઝટ પ્રગટ કરાવવાની તજવીજ હું કરી રહ્યો છું, કે જેથી મારા દક્ષિણ આફ્રિકાના મોટામાં મોટા પ્રયોગો જેની ઈચ્છા હોય તે બધ સમજી શકે. ગુજરાતી વાંચનારા જેમણે દક્ષીણ આફ્રિકાના સત્યગ્રહનો ઈતિહાસ ન જોયો હોય તેમને તે જોઈ લેવાની મારી ભલામણ છે. હવે પછીના થોડાં પ્રકરણો ઉપલા ઈતિહાસમાં આવી અજ્તો મુખ્ય કથા ભાગ છોડીને બાકીના દક્ષિણ આફ્રિકાના મારા જીવનના જે થોડા અંગત પ્રસંગો રહી ગયા હશે તેટલા જ આપવામાં રોકવાનો મરો ઈરાદો છે. અને એ પૂરાં થયે તુરત હિંદુસ્તાનના પ્રયોગોનો પરિચય વાંચનારને કરાવવા ધારું છું. આથી પ્રયોગોન પ્રસંગોનો ક્રમ્ અવિછિન્ન જાળવવા ઈચ્છનારે દક્ષિણ આફ્રિકાનાં ઈતિહાસનાં એ પ્રકરણો હવે પોતની સામે રાખવાં જરૂરી છે.


૨૭. ખોરાકના વધુ પ્રયોગો

મનવચનકાયાથી બ્રહ્મચર્યનું પાલન કેમ થાય એ એક ફિકર, અને સત્યાગ્રહના યુદ્ધને સારુ વધારેમાં વધારે વખત કેમ બચી શકે અને વધારે શુદ્ધિ કેમ થાય એ બીજી ફિકર. આબે ફિકરોએ મને ખોરાકમાં વધાર્વ સંયમ ને વધારે ફેરફારો કરવા પ્રેર્યો. વળી પૂર્વે જે ફેરફારો હું મુખ્યત્વે આરોગ્યની દૃષ્ટિએ કરતો તે હવે ધાર્મિક દૃષ્ટિએ થવા લાગ્યા.

આમાં ઉપવાસ અને અલ્પાહારે વધારે સ્થાન લીધું. જેનામાં વિષયવાસના વર્તે છે તેનામાં જીભના સ્વાદો પણ સારી પેઠે હોય છે. આ સ્થિતિ મારી પણ હતી. જનનેન્દ્રિય તેમ જ સ્વાદેન્દ્રિય પર કાબૂ મેળવતાં મને અનેક વિટંબણાઓ નડી છે, ને હજુ બેઉની ઉપર પૂરો જય મેળવ્યો છે એવો દાવો હું નથી કરી શકતો. મને પોતાને મેં અત્યાહારી માનેલો છે. મિત્રોએ જેને મારો સંયમ માન્યો છે તેને મેં પોતે કદી સંયમ માન્યો જ નથી. જે અંકુશ રાખતાં હું શીખ્યો તેટલો પણ ન રાખી

  1. (*'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' નું અંગ્રેજી ભાષાન્તર નવજીવન પ્રકાશન મંદિર તરફથી પુસ્તક રૂપે પ્રગટ થયું છે. )