પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શક્યો હોત તો હું પશુ કરતાં પણ ઊતરત ને ક્યારનો નાશ પામ્યો હોત. મારી ખામીઓનું મને ઠીક દર્શન હોવાથી મેં તેને દૂર કરવા ભારે પ્રયત્નો કર્યા છે એમ કહી શકાય, અને તેથી હું આટલાં વર્ષો લગી આ શરીરને ટકાવી શક્યો છું ને તેની પાસેથી કાંઈક કામ લઈ શક્યો છું.

આ ભાન હોવાથી ને એવો સંગ અનાયાસે મળી આવવાથી મેં એકાદશીના ફળાહાર અથવા ઉપવાસ આદર્યા. જન્માષ્ટમી ઈત્યાદી બીજી તિથિઓ પણ રાખવાનો આરંભ કર્યો, પણ સંયમની દૃષ્ટિએ ફળાહાર તેમ જ અન્નાહાર વચ્ચે હું બહુ ભેદ ન જોઈ શક્યો. જેને આપણે અનાજ તરીકે ઓળખીએ છીએ તેમાંથી જે રસો આપણે લઈએ છીએ, તે રસો ફળાહારમાંથી પણ મળી રહે છે ને ટેવ પડ્યા પછી તો તેમાંથી વધારે રસ મળે છે એમ મેં જોયું. તેથી તિથિઓને દિવસે નકોરડા ઉપવાસને અથવા એકટાણાને વધારે મહત્ત્વ આપતો થયો. વળી પ્રાયશ્ચિત્તાદિનું કંઈ નિમિત્ત મળે તો તે નિમિત્તે પણ એકટાણાં ઉપવાસ કરી નાખતો.

આમાંથી મેં એ પણ અનુભવ્યું કે શરીર વધારે સ્વચ્છ થવાથી રસો વધ્યા, ભૂખ વધારે સારી થઈ, ને મેં જોયું કે ઉપવાસાદિ જેટલે અંશે સંયમનું સાધન છે તેટલે જ અંશે તે ભોગનું સાધન પણ થઈ શકે છે. આ જ્ઞાન થયા પછી તેના સમર્થનમાં એ જ પ્રકારના મારા તેમ જ બીજાઓના અનુભવો તો કેટલાયે થયા છે. મારે તો જોકે શરીર વધારે સારું ને કસાયેલું કરવું હતું, તોપણ હવે મુખ્ય હેતુ તો સંયમ સાધવાનો - રસો જીતવાનો હતો. તેથી ખોરાકની વસ્તુમાં ને તેના માપમાં ફેરફારો કરવા લાગ્યો. પણ રસો તો પાછળ ને પાછળ જ હતા. જે વસ્તુનો ત્યાગ કરું ને તેને બદલે જે લઉં તેમાંથી નવા જ ને વધારે રસો છૂટે !

મારા આ પ્રયોગોમાં કેટલાક સાથીઓ હતા. આમાંના હરમાન કૅલનબૅક મુખ્ય હતા. તેમનો પરિચય ’દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસ’માં હું આપી ચૂક્યો હોવાથી ફરી આ પ્રકરણોમાં આપવાનું માંડી વાળ્યું છે. તેમણે મારા પ્રત્યેક ઉપવાસમાં, એકટાણામાં, તેમ જ બીજા ફેરફારમાં મને સાથ દીધો હતો. જ્યારે લડત ખૂબ જામી હતી ત્યારે તો હું તેમના જ મકાનમાં રહેતો હતો. અમે બંને અમારા ફેરફારોની ચર્ચા કરતા, ને નવા ફેરફારોમાંથી પુરાણા રસો કરતાં વધારે રસ ખેંચતા. તે કાળે