પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો આ સંવાદો મીઠા પણ લાગતાં. તેમાં કંઈ અજુગતું હતું એમ ન લાગતું. અનુભવે શીખવ્યું કે એવા રસોમાં મહાલવું એ પણ અયોગ્ય હતું. એટલે કે માણસ રસને સારું નહીં પણ શરીર નભાવવા સારુ જ ખાય. પ્રત્યેક ઈંદ્રિય જયારે કેવળ શરીરને અને શરીર વાટે આત્માનાં દર્શનને જ અર્થે કાર્ય કરે ત્યારે તેમાંના રસો શૂન્યવત્‌ થાય છે, ને ત્યારે જ તે સ્વાભાવિકપણે વર્તે છે એમ કહેવાય.

આવી સ્વાભાવિકતા મેળવવા સારુ જેટલા પ્રયોગો કરાય તેટલા ઓછા જ છે. અને તેમ કરતાં અનેક શરીરોની આહુતિ અપાય તેને પણ આપણે તુચ્છ ગણીએ. અત્યારે પ્રવાહ ઊલટો ચાલે છે. નાશવંત શરીરને શોભાવવા, તેનું આયુ વધારવા આપણે અનેક પ્રાણીઓનાં બલિદાન આપીએ છીએ, છતાં તેમાં શરીર અને આત્મા બંને હણાય છે. એક રોગને મટાડતાં, ઇંદ્રિયોના ભોગો ભોગવવાની શક્તિ પણ છેવટે ખોઈ બેસીએ છીએ, ને આ ક્રિયા આપણી આંખ સમક્ષ ચાલી રહી છે તેને જોવાની ના પાડીએ છીએ !

ખોરાકના જે પ્રયોગોનું વર્ણન કરવામાં હું કંઈક સમય લેવા ધારું છું તે સમજાય તેટલા સારુ તેનો ઉદ્દેશ ને તેની પાછળ રહેલી વિચારસરણી રજૂ કરી દેવાની જરૂર હતી.


૨૮. પત્નીની દૃઢતા

કસ્તૂરબાઈ ઉપર ત્રણ ઘાતો ગઈ, અને ત્રણેમાંથી તે કેવળ ઘરઘરૌ ઉપચારોથી બચી ગઈ. તેમાંનો પહેલો પ્રસંગ બન્યો ત્યારે સત્યાગ્રહનું યુદ્ધ ચાલી રહ્યું હતું. તેને વારંવાર રક્તસ્ત્રાવ (લોહીવા) થયાં કરતો. એક દાક્તર મિત્રે શસ્ત્રક્રિયા કરવાની ભલામણકરી અહ્તી. કેટલીક આનાકાની બાદ પત્નીએ શસ્ત્રક્રિયા કરાવવા હા પાડી. શરીર તો ઘણું ક્ષીણ થઈ ગયું હતું. દાક્તરે ક્લૉરોફૉર્મ વિના શસ્ત્રક્રિયા કરી. ક્રિયા વખતે દરદ ખૂબ થયું હતું, પણ જે ધીરજથી કસ્તૂરબાઈએ તે સહન કર્યું તેથી હું તો આશ્ચર્યચકિત થયો. ક્રિયા નિર્વિધ્ને પૂરી થઈ. દાક્તરે અને તેમનાં પત્નીએ કસ્તૂરબાઈની સરસ બરદાસ કરી.