પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ ફેરફારો મેં તુરત કર્યા. બને ત્યાં લગી ચા લેવાનું બંધ કર્યું ને સાંજે વહેલા જમવાની ટેવ પાડી, જે આજે સ્વાભાવિક થઈ પડી છે.

પણ એવો એક પ્રસંગ બન્યો જેથી મીઠાનો પણ ત્યાગ કર્યો, જે લગભગ દશ વર્ષો સુધી તો અભંગપણે કાયમ રહ્યો. અન્નાહારને લગતાં કેટલાંક પુસ્તકોમાં વાંચ્યું હતું કે માણસને મીઠું ખાવું એ જરૂરી નથી, ને ન ખાનારને આરોગ્યની દૃષ્ટિએ લાભ જ થાય છે. બ્રહ્મચારીને તેથી લાભ થાય એમ તો મને સૂઝ્યું જ હતું. જેનું શરીર નબળું હોય તેણે કઠોળ ન ખાવું જોઈએ એમ પણ મેં વાંચ્યું અને અનુભવ્યું હતું. પણ હું તે તુરત છોડી શક્યો નહોતો. બન્ને વસ્તુઓ મને પ્રિય હતી.

પેલી શસ્ત્રક્રિયા પછી જોકે કસ્તૂરબાઈને રક્તસ્ત્રાવ થોડા સમયને સારુ બંધ રહ્યો હતો પણ પાછો તેણે ઊથલો માર્યો. તે કેમેય મટે નહીં. નકરા પાણીના ઉપચારો વ્યર્થ નીવડ્યા. પત્નીને જોકે મારા ઉપચારો ઉપર ઝાઝી આસ્થા નહોતી છતાં તેનો તિરસ્કાર પણ નહોતો. બીજી દવા કરવાનો આગ્રહ નહોતો. તેથી જ્યારે મારા બીજા ઉપચારોમાં સફળતા ન મળી ત્યારે મેં તેને મીઠું અને કઠોળ છોડવા વીનવી. બહુ મનાવતા છતાં, મારા કથનના ટેકામાં કંઈ કંઈ વંચાવતાં છતાં, માને નહીં. છેવટે તેણે કહ્યું, ’કઠોળ ને મીઠું છોડવાનું તો तमने કોઈ કહે તો તમે પણ ન છોડો.’ મને દુઃખ થયું ને હર્ષ પણ થયો. મારો પ્રેમ ઠલવવાનો મને પ્રસંગ મળ્યો. તે હર્ષમાં મેં તુરત જ કહ્યું, ’તારી માન્યતા ભૂલભરેલી છે. મને દરદ હોય ને વૈદ આ વસ્તુ કે બીજી કોઈ વસ્તુ છોડવાનું કહે તો જરૂર છોડી દઉં. પણ જા, મેં તો એક વર્ષને સારુ કઠોળ અને મીઠું બંને છોડ્યાં. તું છોડે કે ન છોડે એ નોખી વાત છે.’

પત્નીને ભારે પશ્ચાત્તાપ થયો. તે બોલી ઊઠી, ’મને માફ કરો. તમારો સ્વભાવ જાણતાં છતાં કહેતાં કહેવાઈ ગયું. હવે હું તો કઠોળ ને મીઠું નહીં ખાઉં. પણ તમે તો તમારું વેણ પાછું ખેંચી લો. આ તો મને બહુ સજા કહેવાય.’

મેં કહ્યું : ‘તું કઠોળ મીઠું છોડશે તો તો બહુ જ સારું. મારી ખાતરી છે કે તેથી તને ફાયદો જ થશે. પણ લેવાયેલી પ્રતિજ્ઞા મારાથી ફેરવાય નહીં. મને તો લાભ જ થવાનો. ગમે તે નિમિત્તે માણસ સંયમ પાળે તોયે