પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૦. સંયમ પ્રતિ

ખોરાકના કેટલાક ફેરફારો કસ્તૂરબાઈની માંદગીને નિમિત્તે થયા એ છેલ્લા પ્રકરણમાં કહી ગયો. પણ હવે તો દિવસે દિવસે બ્રહ્મચર્યની દ્રષ્ટિએ તેમાં ફેરફાર થતા ગયા.

તેમાં પ્રથમ ફેરફાર દૂધ છોડવાનો થયો. દૂધ ઈન્દ્રિયવિકાર પેદા કરનારી વસ્તુ છે એમ હું પ્રથમ રાયચંદભાઈ પાસેથી સમજ્યો હતો. અન્નાહારનાં અંગ્રેજી પુસ્તકો વાંચવાથી તે વિચારમાં વૃધ્ધિ થઈ. પણ જ્યાં સુધી બ્રહ્મચર્યનું વ્રત નહોતું લીધું ત્યાં સુધી દૂધ છોડવાનો ખાસ ઈરાદો નહોતો કરી શક્યો. શરીરના નિભાવને સારુ દૂધની જરૂર નથી એમ તો હું ક્યારનોયે સમજતો થઈ ગયો હતો. પણ તે ઝટ છૂટે તેવી વસ્તુ નહોતી. ઈન્દ્રિયદમનને અર્થે દૂધ છોડવું જોઈએ એમ હું વધારે ને વધારે સમજતો હતો; તેવામાં ગાયભેંસો ઉપર ગવળી લોકો તરફ્થી ગુજારવામાં આવતા ઘાતકીપણા વિષેનું કેટલુંક સાહિત્ય મારી પાસે કલકત્તેથી આવ્યું. આ સાહિત્યની અસર ચમત્કારી થઈ. મેં તે વિષે મિ. કેલનબેંક સાથે ચર્ચા કરી.

જોકે મિ. કેલનબેંકની ઓળખ હું સત્યાગ્રહના ઈતિહાસમાં કરાવી ચૂક્યો છું અને આગલા એક પ્રકરણમાં પણ સહેજ ઉલ્લેખ કરી ગયો છું, પણ અહીં બે બોલ વધારે કહેવાની જરૂર છે. તેમનો મેળાપ મને અનાયાસે જ થયેલો. મિ. ખાનના એ મિત્ર હતા, અને તેમનામાં વૈરાગ્યવૃતિ ઊંડે ઊંડે હતી એમ મિ. ખાને જોયેલું, તેથી મને તેમની ઓળખાણ કરાવી એવી મારી સમજ છે. જ્યારે ઓળખાણ થઈ ત્યારે તેમના શોખોથી ને ખર્ચાળપણાથી હું ભડકી ગયો હતો. પણ પહેલી જ ઓળખાણે તેમણે મને ધર્મ વિષે પ્રશ્નો કર્યા. તેમાં બુધ્ધ ભગવાનના ત્યાગની વાત સહેજે નીકળી. આ પ્રસંગ પછી અમારો પ્રસંગ વધતો ચાલ્યો. તે એટલે સુધી કે જે વસ્તુ હું કરું તે તેમણે કરવી જ જોઈએ એવો તેમના મનમાં નિશ્ચય થઈ ગયો. તે એકલે પંડ હતા. પોતાની એક જાત ઉપર જ ઘરભાડાઉપરાંત લગભગ રૂ. ૧૨૦૦ દર માસે ખર્ચતા. તેમાંથી છેવટે એટલી સાદાઈ પર આવ્યા કે એક વખત તેમનું માસિક