પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખર્ચ રૂ. ૧૨૦ ઉપર જઈ ઊભું. મેં ઘરબાર વીંખ્યા પછી ને પહેલી જેલ પછી અમે બન્ને સાથે રહેવા લાગ્યા હતા. તે વખતે અમારું બન્નેનું જીવન ઘણુંપ્રમાણમાં-સખત હતું.

આ અમારા ભેગા વસવાટના સમય દરમ્યાન દૂધ વિષેની મજકૂર ચર્ચા થઈ. મિ. કેલનબેંકે સૂચના કરી : ’દૂધના દોષોની તો આપણે ઘણી વેળા વાતો કરીએ છીએ. ત્યારે આપણે દૂધ કાં ન છોડીએ ? એની જરૂર તો નથી જ.’ હું આ અભિપ્રાયથી સાનંદાશ્ચર્ય પામ્યો. મેં સૂચના વધાવી લીધી. ને અમે બન્ને એ ટોલ્સ્ટોય ફાર્મમાં તે જ ક્ષણે દૂધનો ત્યાગ કર્યો. આ બનાવ ૧૯૧૨ની સાલમાં બન્યો.

આટલા ત્યાગથી શાંતિ ન થઈ. કેવળ ફ્ળાહારનો અખતરો કરવો એ નિશ્ચય પણ દૂધના ત્યાગ પછી થોડી જ મુદતમાં કર્યો. ફ્ળાહારમાં પણ જે સોંઘામાં સોંઘું ફળ મળે તેની ઉપર નિભાવ કરવાની ધારણા હતી. ગરીબમાં ગરીબ માણસ જે જીવન ગાળે તે જીવન ગાળવાની અમારી બન્નેની હોંશ હતી. ફળાહારની સગવડ પણ અમે ખૂબ અનુભવી. ફળાહારમાં ઘણે ભાગે ચૂલો સળગાવવાની જરૂર તો હોય જ નહીં. વગર ભૂંજેવી મગફળી, કેળાં, ખજૂર, લીંબુ ને જીતુનતું તેલ-આ અમારો સામાન્ય ખોરાક થઈ પડ્યો હતો.

બ્રહ્મચર્યનું પાલન કરવાની ઈચ્છા રાખનારને અહીં એક ચેતવણી આપવાની આવશ્યક્તા છે. જોકે મેં બ્રહ્મચર્યની સાથે ખોરાક અને ઉપવાસનો નિકટ સંબંધ બતાવ્યો છે, છતાં આટલું ચોક્ક્સ છે કે તેનો મુખ્ય આધાર મનની ઉપર છે. મેલું મન ઉપવાસથી શુધ્ધ થતું નથી. ખોરાક તેની ઉપર અસર કરતો નથી. મનનો મેલ વિચારથી, ઈશ્વરધ્યાનથી ને છેવટે ઈશ્વરપ્રસાદથી જ જાય છે. પણ મનને શરીરની સાથે નિકટ સંબંધ છે, અને વિકારી મન વિકારી ખોરાકને શોધે છે. વિકારી મન અનેક પ્રકારના સ્વાદો ને ભોગો શોધે છે. અને પછી તે ખોરાકો અને ભોગની અસર મન ઉપર થાય છે તેથી ને તેટલે અંશે ખોરાકની ઉપર અંકુશની અને નિરાહારની આવશ્યકતા અવશ્ય ઉત્પન્ન થાય છે. વિકારી મન શરીરની ઉપર, ઈન્દ્રિયોની ઉપર કાબૂ મેળવવાને બદલે શરીરને અને ઈન્દ્રિયોને વશ વર્તે છે, તેથી પણ શરીરને શુધ્ધ અને ઓછામાં ઓછા