પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિકારી ખોરાકની મર્યાદાની અને પ્રસંગોપાત્ત નિરાહારની-ઉપવાસની આવશ્યકતા રહી છે. એટલે જેઓ એમ કહે છે કે સંયમીને ખોરાકની મર્યાદાની કે ઉપવાસની જરૂર નથી તેઓ એટલા જ ભૂલમાં પડેલા છે, જેટલા ખોરાક અને નિરાહારને સર્વસ્વ માનનારા. મારો અનુભવ તો મને એમ શીખવે છે કે, જેનું મન સંયમ પ્રતિ જઈ રહ્યું છે તેને ખોરાકની મર્યાદા અને નિરાહાર બહુ મદદ કરનારાં છે. તેની મદદ વિના મનની નિર્વિકારતા અસંભવિત જણાય છે.

૩૧. ઉપવાસ

દૂધ અને અનાજ છોડી ફળાહારનો પ્રયોગ શરૂ કર્યો, તે જ અરસામાં સંયમના હેતુથી ઉપવાસો પણ શરૂ કર્યા. આમાં પણ મિ. કેલનબેંક ભળ્યા. પૂર્વે ઉપવાસો કરતો તે કેવળ આરોગ્યની દ્રષ્ટિએ. દેહદમનને સારુ ઉપવાસ કરવાની આવશ્યકતા છે તે એક મિત્રની પ્રેરણાથી સમજ્યો. વૈષ્ણવ કુટુંબમાં જન્મ હોવાથી ને માતા કઠિન વ્રતોનું પાલન કરનારી હોવાથી એકાદશી વગેરે વ્રતો દેશમાં રાખેલાં, પણ તે દેખાદેખીએ અથવા માતાપિતાને રીઝવવાના હેતુથી. તેવાં વ્રતોથી કશો લાભ થાય છે એમ ત્યારે નહોતો સમજ્યો, માનતો પણ નહોતો. પણ મજકૂર મિત્રના પાલન ઉપરથી અને મારા બ્રહ્મચર્યના વ્રતને ટેકો આપવા સારુ મેં તેનું અનુકરણ શરૂ કર્યુ અને એકાદશીને દિવસે ઉપવાસ કરવાનું ઠરાવ્યું.. સામાન્ય રીતે લોકો એકાદશીના દિવસે દૂધ અને ફળ લઈને એકાદશી રાખી ગણે છે. પણ ફ્ળાહારનો ઉપવાસ તો હવે હું હમેશાં પાળતો થઈ ગયો હતો. એટલે મેં પાણીની છૂટ રાખીને પૂરા ઉપવાસ શરૂ કર્યા.

ઉપવાસના પ્રયોગોના આરંભને સમયે શ્રાવણ માસ આવતો હતો. તે વર્ષે રમજાન અને શ્રાવણ માસ સાથે હતા. ગાંધી કુટુંબમાં વૈષ્ણવ વ્રતોની સાથે શૈવ વ્રતો પણ પળાતાં. કુટુંબીઓ જેમ વૈષ્ણવ દેવાલયોમાં જતાં તેમ શિવાલયોમાં પણ જતાં. શ્રાવણ માસના પ્રદોષ કુટુંબમાં કોઈક તો દર વર્ષે રાખતું જ. તેથી આ શ્રાવણ માસ રાખવાની મેં ઈચ્છા કરી.

આ મહત્વના પ્રયોગનો આરંભ ટોલ્સ્ટોય આશ્રમમાં થયો. ત્યાં સત્યાગ્રહી કેદીઓનાં કુટુંબો સાચવીને કેલનબેંક અને હું રહેતા. આમાં