પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાળકો અને નવયુવકો પણ હતા. તેમને અર્થે નિશાળ ચાલતી. આ જુવાનિયાઓમાં ચારપાંચ મુસલમાન હતા. તેમને ઈસ્લામના નિયમો પાળવામાં હું મદદ કરતો ને ઉત્તેજન આપતો. નિમાજ વગેરેની સગવડ કરી આપતો. આશ્રમમાં પારસીઓ અને ખ્રિસ્તીઓ પણ હતા. આ બધાને પોતપોતાના ધર્મ પ્રમાણે ચાલવાનું પ્રોત્સાહન આપવાનો નિયમ હતો. એટલે આ મુસલમાન નવયુવકોને રોજા રાખવામાં મેં ઉત્તેજન આપ્યું. મારે તો પ્રદોષ રાખવા જ હતા. પણ હિંદુઓ, પારસીઓ અને ખ્રિસ્તીઓને પણ મુસલમાન યુવકોને સાથ આપવાની મેં ભલામણ કરી. સંયમમાં સાથ બધાને આપવો એ સ્તુત્ય છે એમ તેમને મેં સમજાવ્યું. ઘણા આશ્રમવાસીઓએ મારી વાત ઝીલી લીધી. હિંદુઓ અને પારસીઓ મુસલમાન સાથીઓનું છેક અનુકરણ નહોતા કરતા, કરવાની આવશ્યકતા નહોતી. મુસલમાન સૂરજ ડૂબવાની રાહ જોતા ત્યારે બીજા તે પહેલાં જમી લેતા, કે જેથી મુસલમાનોને તેઓ પીરસે ને તેઓને સારુ ખાસ વસ્તુઓ તૈયાર કરે. વળી મુસલમાનો સરગી કરે તેમાં બીજાઓને ભાગ લેવાપણું નહોતું. અને મુસલમાનો દિવસના પાણી પણ ન પીએ, બીજાઓ પાણી છૂટથી પીતા.

આ પ્રયોગનું એક પરિણામ એ આવ્યું કે ઉપવાસ અને એકટાણાનું મહત્વ સહુ સમજ્વા લાગ્યા. એકબીજા પ્રત્યે ઉદારતા અને પ્રેમભાવ વધ્યાં. આશ્રમમાં અન્નાહારનો નિયમ હતો. આ નિયમનો સ્વીકાર મારી લાગણીને લીધે થયો હતો એમ મારે આ સ્થાને આભારપૂર્વક કબૂલ કરવું જોઈએ. રોજાને સમયે મુસલમાનોને માંસનો ત્યાગ વસમો લાગ્યો હશે, પણ નવયુવકોમાંથી કોઈએ મને તેવું જણાવા નહોતું દીધું. તેઓ અન્નાહાર આનંદ અને સ્વાદપૂર્વક કરતા. હિંદુ બાળકો આશ્રમમાં અશોભતી ન લાગે એવી સ્વાદિષ્ટ રસોઈ પણ તેમને સારુ કરતા.

મારા ઉપવાસનું વર્ણન કરતાં આ વિષયાંતર મેં ઈરાદાપૂર્વક કર્યુ છે, કેમ કે એ મધુર પ્રસંગ બીજે સ્થળે હું ન વર્ણવી શકત. અને તે વિષયાંતર કરીને મારી એક ટેવનું વર્ણન પણ મેં કરી નાખ્યું છે. જે સારી વસ્તુ હું કરું છું એમ મને લાગે તેમાં હું મારી સાથે રહેનારને હંમેશાં ભેળવવાનો પ્રયત્ન કરું. આ ઉપવાસ અને એકટાણાના પ્રયોગા નવી વસ્તુ હતી, પણ પ્રદોષ અને રમજાનને મિષે મેં બધને તેમાં સંડોવ્યા.