પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આમ આશ્રમમાં સંયમી વાતાવરણ સહેજે વધ્યું. બીજા ઉપવાસો અને એકટાણામાં પણ આશ્રમમાં રહેનારા ભળવા લાગ્યા. અને એનું પરિણામ શુભ આવ્યું એમ હું માનું છું. સંયમની અસર બધાના હ્દય ઉપર કેટલી થઈ, બધાના વિષયોને રોકવામાં કેટલો ભાગ ઉપવાસાદિએ લીધો, એ હું નિશ્ચયપૂર્વક નથી કહી શક્તો. પણ મારી ઉપર તો આરોગ્ય અને વિષયની દ્રષ્ટિએ ઘણી સરસ અસર થઈ એમ મારો અનુભવ છે. છતાં ઉપવાસાદિની એવી અસર બધા ઉપર થાય જ એવો અનિવાર્ય નિયમ નથી એ હું જાણું છું. ઈન્દ્રિયદમનના હેતુથી થયેલા ઉપવાસની જ વિષયોને રોકવારૂપ અસર થાય. કેટલાક મિત્રોનો અનુભવ એવો પણ છે કે, ઉપવાસને અંતે વિષયેચ્છા અને સ્વાદો તીવ્ર થાય છે. એટલે કે, ઉપવાસ દરમ્યાન વિષય રોકવાની ને સ્વાદને જીતવાની સતત ભાવના હોય તો જ તેનું શુભ ફળ આવે. વિના, મન વિના થયેલા શારીરિક ઉપવાસનું સ્વતંત્ર પરિણામ વિષય રોકવામાં નીપજ્શે એમ માનવું કેવળ ભૂલભરેલું છે. ગીતાજીના બીજા અધ્યાયનો શ્લોક આ સ્થળે બહુ વિચારવા યોગ્ય છે:

विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।
रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट़्वा निवर्तते ।।

ઉપવાસીના વિષયો (ઉપવાસ દરમ્યાન) શમે છે; તેનો રસ નથી જતો. રસ તો ઈશ્વરદર્શનથી જ-ઈશ્વરપ્રસાદથી જ શમે.

એટલે કે, ઉપવાસાદિ સંયમીના માર્ગમાં એક સાધનરૂપે આવશ્યક છે. પણ તે જ બધું નથી. અને જો શરીરના ઉપવાસની સાથે મનનો ઉપવાસ ન હોય, તો તે દંભમાં પરિણમે અને નુકસાનકારક નીવડે.

૩૨. મહેતાજી

‘સત્યાગ્રહના ઇતિહાસ’ માં જે વસ્તુ નથી આવી શકી અથવા થોડા જ અંશમાં આવી છે તે જ વસ્તુ આ પ્રકરણોનો અરસપરસનો સંબંધ સમજી શકશે.

ટૉલ્સ્ટૉય આશ્રમમાં બાળકો તેમ જ બળાઓને સારુ કંઇક શિક્ષણનો પ્રબંધ આવશ્યક હતો. મારી સાથે હિદુ, મુસલમાન, પારસી અને ખ્રિસ્તી