પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે હાઈસ્કૂલમાં શીખેલો તે જ. ગુજરાતી પણ નિશાળિયું જ.

આટલી પૂંજીથી મારે કામ લેવાનું હતું. ને તેમાં મદદગાર તે મારા કરતાંયે ઓછું જાણનારાં. પણ દેશની ભાષાઓનો મારો પ્રેમ, મારી શિક્ષણશક્તિ ઉપરની મારી શ્રદ્ધા, વિદ્યાર્થીઓનું અજ્ઞાન અને તેથી પણ વધી જતી તેમની ઉદારતા મને મારા કામમાં મદદગાર નીવડ્યાં.

તામિલ વિદ્યાર્થીઓ દક્ષિણ આફ્રિકામાં જ જન્મેલા, તેથી તામિલ બહુ ઓછું જાણતા. તેમને લિપિ તો મુદ્દલ ન આવડે. એટલે મારે તેમને લિપિ શીખવવાનું ને વ્યાકરણનાં મૂળતત્ત્વો શીખવવાનું હતું. તે સહેલું હતું. વિદ્યાર્થીઓ જાણતા કે તામિલ વાતચીતમાં તો તેઓ મને સહેજે હરાવે, અને તામિલ જાણનારા જ મને મળવા આવે ત્યારે તેઓ મારા દુભાષિયા થાય. મારું ગાડું ચાલ્યું, કેમ કે વિદ્યાર્થીઓ પાસે અજ્ઞાન ઢાંકવાનો મેં કદી પ્રયત્ન જ ન કર્યો. બધી બાબતોમાં જેવો હું હતો તેવો જ તેઓ મને જાણતા થયા હતા. આથી અક્ષરજ્ઞાનની ગાઢ ન્યૂનતા છતાં મેં તેમના પ્રેમ ને આદર કદી ન ગુમાવ્યા.

મુસલમાન બાળકોને ઉર્દૂ શીખવવાનું પ્રમાણમાં વધારે સહેલું હતું. તેઓ લિપિ જાણતા. તેમનામાં વાચનનો શોખ વધારવાનું ને તેમના અક્ષર સુધારવાનું જ મારું કામ હતું.

મુખ્યપણે આ બાળકો બધા નિરક્ષર અને નિશાળમાં ન ભણેલા હતા. શીખવતાં શીખવતાં મેં જોયું કે મારે તેમને શીખવવાનું ઓછું જ હતું. તેમનું આળસ મુકાવવાનું, તેમને પોતાની મેળે વાંચતા કરવાનું, તેમના અભ્યાસની ચોકી રાખવાનું જ વધારે હતું. આટલેથી સંતોષ પામતો તેથી જ જુદી જુદી ઉંમરના જુદા જુદા વિષયોવાળા વિદ્યાર્થીઓને એક જ કોટડીમાં બેસાડી કામ લઈ શકતો હતો.

પાઠ્યપુસ્તકોની જે બૂમ વખતોવખત સાંભળવામાં આવે છે તેની મને કદી ગરજ લાગી નહોતી. જે પુસ્તકો હતાં તેમનો પણ બહુ ઉપયોગ કર્યાનું મને યાદ નથી. દરેક બાળકને ઘણાં પુસ્તકો અપાવવાની મેં જરૂર નહોતી જોઈ. વિદ્યાર્થીનું પાઠ્યપુસ્તક શિક્ષક જ હોય એમ મને લાગ્યું છે. શિક્ષકોએ પુસ્તકોમાંથી શીખવેલું એવું થોડું જ મને યાદ છે. જેઓએ પોતાને મુખેથી શીખવેલું તેનું સ્મરણ આજે પણ રહી ગયું છે. બાળકો