પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આંખેથી ગ્રહણ કરી શકે છે. બાળકોની પાસે હું એક પણ પુસ્તક પૂરું વંચાવી ગયો હોઉં એવું મને યાદ નથી.

પણ ઘણાં પુસ્તકોમાંનું મેં જે પચાવ્યું હતું તે તેમને મારી ભાષામાં કહી ગયો, તે તેમને આજે પણ યાદ હશે એમ હું માનું છું. વંચાવેલું યાદ રાખવામાં તેમને કલેશ થતો, મેં સંભળાવેલું તેઓ તે જ ક્ષણે મને ફરી સંભળાવી જતા. વાંચવામાં તેમને કંટાળો આવતો. સાંભળવામાં, જ્યારે હું પોતે થાકને લીધે કે બીજા કારણસર મંદ અને નીરસ ન હોઉં ત્યારે, તેઓ રસ લેતા ને સાંભળતા. તેમને પ્રશ્નો ઊઠતા તેનો ઉકેલ કરવામાં મને તેમની ગ્રહણશક્તિનું માપ આવી જતું.


૩૪. આત્મિક કેળવણી

વિદ્યાર્થીઓનાં શરીર અને મનને કેળવવા કરતાં આત્માને કેળવવામાં મને બહુ પરિશ્રમ પડ્યો. આત્માને વિકસાવવામાં મેં ધર્મનાં પુસ્તકો ઉપર ઓછો આધાર રાખ્યો હતો. તે તે વિદ્યાર્થીઓએ પોતપોતાના ધર્મનાં મૂળતત્ત્વો જાણવાં જોઈએ, પોતપોતાનાં ધર્મપુસ્તકોનું સામાન્ય જ્ઞાન તેમને હોવું જોઈએ, એમ હું માનતો, તેથી તેમને તેનું જ્ઞાન મળે એવી યથાશક્તિ સગવડ મેં કરી હતી. પણ તેને હું બુદ્ધિની કેળવણીનું અંગ ગણું છું. આત્માની કેળવણી એક નોખો જ વિભાગ છે એમ મેં ટૉલ્સ્ટૉય આશ્રમનાં બાળકોને શીખવવા માંડ્યું તેની પૂર્વે જ જોઈ લીધું હતું. આત્માનો વિકાસ કરવો એટલે ચારિત્ર ઘડવું, ઈશ્વરનું જ્ઞાન મેળવવું, આત્મજ્ઞાન મેળવવું. આ જ્ઞાન મેળવવામાં બાળકોને મદદ ઘણી જ જોઈએ, ને તેના વિનાનું બીજું જ્ઞાન વ્યર્થ છે, હાનિકારક પણ હોય એમ હું માનતો.

આત્મજ્ઞાન ચોથા આશ્રમમાં મળે એવો વહેમ સાંભળ્યો છે. પણ જેઓ ચોથા આશ્રમ લગી આ અમૂલ્ય વસ્તુને મુલતવી રાખે છે તેઓ આત્મજ્ઞાન નથી પામતા, પણ બુઢાપો અને બીજું પણ દયાજનક બચપણ પામી પૃથ્વી પર બોજારૂપે જીવે છે, એવો સાર્વત્રિક અનુભવ જોવામાં આવે છે. આ વિચારો હું આ ભાષામાં ૧૯૧૧-૧૨ની સાલમાં કદાચ ન મૂકત, પણ આવી જાતના વિચારો હું તે કાળે ધરાવતો હતો એનું