પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થઇ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો.

હું સમજયો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલ નથી. આથી જયારે કોઇ આપઘાત કરવાની ધમકી આપે છે ત્‍યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે, અથવા મુદ્દલ થતી જ નથી એમ કહું તો ચાલે.

આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્‍યું કે અમે બન્‍ને એઠી બીડી ચોરીને પીવાની તેમ જ નોકરના દોકડા ચોરવાની ને તેમાંથી બીડી લઇ ફુંકવાની ટેવ ભૂલી જ ગયા. મોટપણે બીડી પીવાની ઇચ્‍છા જ મને કદી નથી થઇ, અને એ ટેવ જંગલી, ગંદી ને હાનીકારક છે એમ મેં સદાય માન્‍યું છે. બીડીનો આટલો જબરદસ્‍ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શકિત હું કદી મેળવી શકયો નથી. જે આગગાડીમાં ડબામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્‍યાં બેસવું મને ભારે થઇ પડે છે ને તેના ધુમાડાથી હું ગુંગળાઇ જાઉં છું.

બીડીઓના ઠૂંઠાં ચોરવા ને તેને અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું. બીડીનો દોષ થયો ત્‍યારે ઉંમર બારતેર વર્ષની હશે; કદાચ તેથીયે ઓછી. બીજી ચોરી વેળાએ ઉંમર પંદર વર્ષની હશે. આ ચોરી મારા માંસાહારી ભાઇના સોનાના કડાના કકડાની હતી. તેમણે નાનું સરખું એટલે પચીસેક રૂપિ‍યાનું કરજ કર્યુ હતું. એ કેમ પતાવવું એનો અમે બન્‍ને ભાઇ વિચાર કરતા હતા. મારા ભાઇને હાથે સોનાનું નક્કર કડું હતું. તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્‍કેલ નહોતું.

કડું કપાયું. કરજ ફીટયું. પણ મારે સારુ આ વાત અસહ્ય થઇ પડી. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ર્ચય કર્યો. પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઇએ એમ લાગ્‍યું. જીભ તો ન ઊપડે. પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. તેમણે કોઇ દિવસ અમને એકે ભાઇને તાડન કર્યુ હોય એવું મને સ્મરણ નથી. પણ પોતે દુઃખી થશે, કદાચ માથું કૂટશે તો ? એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઇએ, તે વિના શુદ્ધિ ન થાય, એમ લાગ્‍યું.

છેવટે ચિઠ્ઠી લખીને દોક્ષ કબૂલ કરવો ને માફી માગવી એવો મેં ઠરાવ