પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આત્માનું નહીં પણ મારી પશુતાનું દર્શન કરાવ્યું હતું.

બાળકોને માર મારીને શીખવવાની સામે હું હમેશાં રહ્યો છું. એક જ પ્રસંગ મને યાદ છે કે જ્યારે મેં મારા દીકરાઓમાંથી એકને માર્યો હતો. આંકણી મારવામાં મેં યોગ્ય કર્યું કે કેમ તેનો નિર્ણય આજ લગી હું કરી નથી શક્યો. આ દંડની યોગ્યતાને વિષે મને શંકા છે, કેમ કે તેમાં ક્રોધ ભર્યો હતો અને દંડ કરવાનો ભાવ હતો. જો તેમાં કેવળ મારા દુઃખનું જ પ્રદર્શન હોત તો હું એ દંડને યોગ્ય ગણત. પણ આમાં રહેલી ભાવના મિશ્ર હતી. આ પ્રસંગ પછી તો હું વિદ્યાર્થીઓને સુધારવાની વધારે સારી રીત શીખ્યો. એ કળાનો ઉપયોગ મેં મજકૂર પ્રસંગે કર્યો હોત તો કેવું પરિણામ આવત એ હું નથી કહી શકતો. આ પ્રસંગ પેલો યુવક તો તુરત ભૂલી ગયો. તેનામાં બહુ સુધારો થયો એમ હું કહી શકતો નથી. પણ એ પ્રસંગે મને વિદ્યાર્થી પ્રત્યેના શિક્ષકના ધર્મને વધારે વિચારતો કરી મૂક્યો. ત્યાર બાદ એવા જ દોષ યુવકોના થયા, પણ મેં દંડનીતિ ન જ વાપરી. આમ આત્મિક જ્ઞાન આપવાના પ્રયત્નમાં હું પોતે આત્માના ગુણને વધારે સમજવા લાગ્યો.

૩૫. સારાનરસાનું મિશ્રણ

ટૉલ્સટૉય આશ્રમમાં મારી સામે એક પ્રશ્ન મિ. કૅલનબૅકે ઊભો કર્યો. તેમણે ઉપાડ્યો તે પહેલાં મેં તેનો વિચાર નહોતો કર્યો. આશ્રમમાં કેટલાક છોકરાઓ બહુ તોફાની અને નઠારા હતા. કોઈક રખડુ હતા. તેમની જ સાથે મારા ત્રણ દીકરાઓ હતા. બીજાં પણ તેવી રીતે ઊછરેલાં બાળકો હતાં. પણ મિ. કૅલનબૅકનું ધ્યાન તો પેલા રખડુ જુવાનિયાઓ અને મારા દીકરાઓ કેમ ભેળા રહી શકે એ તરફ જ હતું. એક દિવસ તે બોલી ઊઠ્યા : 'તમારી આ રીત મને જરાય ગળે નથી ઊતરતી. આ છોકરાઓની સાથે તમારા છોકરાઓને ભેળવો એનું પરિણામ તો એક જ આવે : તેમને આ રખડુ છોકરાઓનો પાસ લાગે ને તેઓ બગડ્યા વિના કેમ રહે ?'

હું ઘડીભર વિમાસણમાં પડ્યો કે નહીં એ તો મને અત્યારે યાદ નથી આવતું, પણ મારો જવાબ મને યાદ છે. મેં કહેલું: 'મારા છોકરાઓ