પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૬. પ્રાયશ્ચિત્તરૂપે ઉપવાસ

બાળકો અને બાળાઓને પ્રામાણિકપણે ઉછેરવાકેળવવામાં કેટલી ને કેવી કઠણતાઓ છે તેનો અનુભવ દિવસે દિવસે વધતો ગયો. શિક્ષક અને વાલી તરીકે એમના હ્રદયમાં પ્રવેશ કરવાનો ગતો, તેમનાં સુખદુ:ખમાં ભાગ લેવાનો હતો; તેમના જીવનની ગૂંચો ઉકેલવાની હતી, તેમની ઊછળતી યુવાનીના તરંગોને સીધે માર્ગે દોરવાના હતા.

કેટલાક જેલીઓ છૂટતાં ટૉલ્સટૉય આશ્રમમાં થોડા જ માણ સો રહ્યા. આ મુખ્યત્વે ફિનિક્સવાસીઓ હતા. તેથી આશ્રમ ફિનિક્સ લઈ ગયો. ફિનિક્સમાં મારી પરીક્ષા થઈ. ટૉલ્સટૉય આશ્રમથી રહેલા આશ્રમવાસીઓને ફિનિક્સ મૂકીને હું જોહાનિસબર્ગ ગયો. જોહાનિસબર્ગ થોડા દિવસ રહ્યો ત્યાં જ મારા ઉપર બે વ્યક્તિઓના ભયંકર પતનના સમાચાર આવ્યા. સત્યાગ્રહની મહાન લડતમાં ક્યાંયે નિષ્ફળતા જેવું દેખાય તેથી મને આઘાત ન પહોંચતો, પણ આ બનાવે મારી ઉપર વજ્રસમો પ્રહાર કર્યો. હું ઘવાયો. મેં તે જ દહાડે ફિનિક્સની ગાડી લીધી. મિ. કૅલનબૅકે સાથે આવવાનો આગ્રહ કર્યો. તે મારી દયામણી સ્થિતિ વરતી ગયા હતા. મને એકલાને જવા દેવા ચોખ્ખી ના પાડી. પતનના ખબર મને તેમની મારફતે પડ્યા હતા.

રસ્તામાં મેં મારો ધર્મ જાણી લીધો, અથવા જાણી લીધો એમ માન્યું એમ કહીએ. મને લાગ્યું કે પોતાની રક્ષા નીચે રહેલાના પતનને સારુ વાલી કે શિક્ષક થોડેઘણે અંશે જવાબદાર છે. આ બનાવમાં મારી જવાબદારી મને સ્પષ્ટ જણાઈ. મારી પત્નીએ મને ચેતવણી આપી જ હતી. પણ હું સ્વભાવે વિશ્વાસુ હોવાથી મેં તેની ચેતવણીને નહોતી ગણકારી. વળી મને ભાસ્યું કે, જો હું આ પતનને સારુ પ્રયશ્ચિત્ત કરીશ તો જ આ પતિત થયેલા મારું દુ:ખ સમજી શકશે, ને તેથી તેમને પોતાને દોષનું ભાન થશે ને કંઈક માપ આવશે. તેથી મેં સાત દિવસના ઉપવાસ અને સાડા ચાર માસ એકટાણું કરવાનું વ્રત લીધું. મિ. કૅલનબૅકે મને વારવા પ્રયત્ન કર્યો. એ નિષ્ફળ ગયો. છેવટે પ્રયશ્ચિત્તની યોગ્યતા તેમણે સ્વીકારી, ને તેમણે પણ મારી સાથે જ વ્રત રાખવાનો આગ્રહ કર્યો.