પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કર્યો. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. ચિઠ્ઠી માં બધો દોષ કબૂલ ક‍ર્યો ને સજા માગી, પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી, ને ભવિષ્‍યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતીજ્ઞા કરી.

મેં ધ્રૂજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. હું તેમની પાટની સામે બેઠો. આ વેળા તેમને ભગંદરનું દરદ તો હતું જ. તેથી તેઓ ખાટલાવશ હતા. ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા.

તેમણે ચિઠ્ઠી વાંચી. આંખમાંથી મોતીનાં બિંદુ ટપકયાં. ચિઠ્ઠી ભીંજાઇ. તેમણે ક્ષણવાર આંખ મીંચી ચિઠ્ઠી ફાડી નાખી, ને પોતે વાંચવા સારુ બેઠા થયા હતા તે પાછા સૂતા.

હું પણ રડયો. પિતાજીનું દુઃખ સમજી શકયો. હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું. એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે.

એ મોતીબિંદુના પ્રેમબાણે મને વીંધ્‍યો. હું શુદ્ધ થયો. એ પ્રેમ તો જેણે અનુભવ્‍યો હોય તે જ જાણે :

રામબાણ વાગ્‍યાં રે હોય તે જાણે.

મારે સારુ આ અહિસાનો પદાર્થપાઠ હતો. તે વેળાં તો મેં એમાં પિતાપ્રેમ ઉપરાંત બીજું ન જોયું. પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકુ છું. આવી અહિંસા જયારે વ્‍યાપક સ્‍વરૂપ પકડે ત્‍યારે તે પોતાના સ્‍પર્શથી કોને અલિપ્‍ત રાખે ? એવી વ્‍યાપક અહિંસાની શકિતનું માપ કાઢવું અશકય છે. આવી શાંત ક્ષમા પિતાજીના સ્‍વભાવથી પ્રતિકૂળ હતી. તે ક્રોધ કરશે. કટુ વચન સંભળાવશે, કદાચ માથું કૂટશે, એવું મેં ધાર્યું હતુ;. પણ તેમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું. જે માણસ અધિકારી આગળ, સ્‍વેચ્‍છાએ, પોતાના દોષનો, નિખાલસપણે ને ફરી કદી તે ન કરવાનો, પ્રતિજ્ઞાપૂર્વક સ્‍વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ર્ચિત કરે છે. હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારે વિષે નિર્ભય થયા ને તેમનો મહા પ્રેમ વૃદ્ધિ પામ્‍યો.