પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ આટલું તો કહ્યા વિના ન જ ચાલે કે, જે અનુભવો આપણને રોજ હિંદુસ્તાનમાં થાય છે તેવા તે હતા. અમલદારે ધમકીથી, કળથી અમારામાં ફૂટ પાડી. કેટલાક શપથ લીધા છતાં કળને કે બળને વશ થયા. આટલામાં નેટલી ઇસ્પિતાલમાં અણધારેલી સંખ્યામાં ઘાયલ સિપાહીઓ આવી પહોંચ્યા, ને તેમની સારવારને સારુ અમારી આખી ટુકડીની જરૂર પડી. અમલદાર જેમને ખેંચી શક્યા હતા તે તો નેટલી પહોંચ્યા. પણ બીજા ન ગયા એ ઇન્ડિયા ઓફિસને ન ગમ્યું. હું તો પથારીવશ હતો. પણ ટુકડીના લોકોને મળ્યા કરતો હતો. મિ. રૉબર્ટ્સના સંબંધમાં હું સારી રીતે આવ્યો હતો. તે મને મળવા આવી પહોંચ્યા, ને બાકી રહેલાને પણ મોકલવાનો આગ્રહ કર્યો. તેમણે નોખી ટુકડીરૂપે જવું એવી તેમની સૂચના હતી. નેટલી ઇસ્પિતાલમાં તો ટુકડીએ મુખીને તાબે રહેવાનું રહેશે એટલે તેમની માનહાનિ નહીં થાય, સરકારને તેમના જવાથી સંતોષ થશે, ને મોટા જથામાં આવી ગયેલા જખમીઓની સારવાર થશે. મારા સાથીઓને અને મને આ સૂચના ગમી, અને રહી ગયેલા વિદ્યાર્થીઓ પણ નેટલી ગયા. એક હું જ દાંત પીસતો પથારીમાં પડ્યો રહ્યો.


૪૧. ગોખલેની ઉદારતા

વિલાયતમાં મને થયેલ પાંસળીના વરમની હકીકત હું લખી ગયો છું. આ રોગ વખતે ગોખલે વિલાયતમાં આવી પહોંચ્યા હતા. તેમની પાસે કૅલનબૅક અને હું હમેશાં જતા. ઘણે ભાગે લડાઈની જ વાતો થતી. કૅલનબૅકને જર્મનીની ભૂગોળ મોઢે હતી, ને તેમણે યુરોપની મુસાફરી ખુબ કરી હતી, એટલે ગોખલેને નકશો કાઢીને લડાઈનાં મથકો બતાવતા.

મને જ્યારે વ્યાધિ લાગુ પડ્યો ત્યારે તે પણ એક ચર્ચાનો વિષય થઈ પડ્યો. મારા ખોરાકના પ્રયોગો તો ચાલતા જ હતા. તે વેળાનો