પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રયોગને પૂરો ન્યાય આપી શકું એવું મારું શરીર નહોતું, ને એવી શ્રદ્ધા નહોતી. આ ઉપરાંત તેમણે ચોવીસે કલાક બારીઓ ખુલ્લી રાખવાનું. રોજ નવશેકે પાણીએ નાહવાનું, દુખતા ભાગ ઉપર તેલ ચોળવાનું અને પાથી અરધો કલાક ખુલ્લી હવામાં ફરવાનું સૂચવ્યું. આ બધું મને ગમ્યું. ઘરમાં તો ફ્રેન્ચ ઢબની બારીઓ હતી. તે આખી ઉઘાડવાથી વરસાદનું પાણી આવતું હતું. ઉપરનું અજવાળિયું ખુલ્લું કરાય તેમ નહોતું. તેથી તેને આખો કાચ ભંગાવીને ત્યાંથી ચોવીસે કલાક હવા આવવાની સગવડ કરી. ફ્રેન્ચ બારી વાછંટ ન આવે તેટલી ઉઘાડી રાખતો.

આ બધું કરવાથી તબિયત કંઈક સુધરી. સાવ સારી તો ન જ થઈ. કોઈ કોઈ વાર લેડી સિસિલિયા રૉબર્ટ્સ મને જોવા આવતાં તેમનો પરિચય સારો હતો. તેમની મને દૂધ પિવડાવવાની પ્રબળ ઈચ્છા હતી. તે તો લઉં નહીં, એટલે દૂધના ગુણવાળા પદાર્થોની તેમણે શોધ ચલાવી. તેમના કોઈ મિત્રે તેમને 'માલ્ટેડ મિલ્ક' બતાવ્યું, ને અણજાણપણે તેમણે કહ્યું કે એમાં દૂધનો સ્પર્શ સરખોયે નથી, પણ રસાયણી પ્રયોગથી બનાવેલી દૂધના ગુણવાળી ભૂકી છે. લેડી રૉબર્ટ્સને મારી ધર્મલાગણી તરફ બહુ આદર હતો એમ હું જાણી ગયો હતો. તેથી મેં તે ભૂકીને પાણીમાં મિલાવીને પીધી. મને તેમાં દૂધના જેવો જ સ્વાદ આવ્યો. પાણી પીધા પછી ઘર પૂછ્યા જેવું મેં કર્યું. બાટલી પરનો કાગળ વાંચતાં માલૂમ પડ્યું કે આ તો દૂધનો જ પદાર્થ છે. એટલે એક જ વાર પીધા પછી તેનો ત્યાગ કરવો પડ્યો. લેડી રૉબર્ટ્સને ખબર આપી મે જરાયે ચિંતા ન કરવાનું લખ્યું. તેઓ ઉતાવળાં ઉતાવળાં ઘેર આવ્યાં. પોતાની દિલગીરી જાહેરે કરી. તેમના મિત્રે બાટલી ઉપરનો કાગળ વાંચેલો જ નહીં. મેં આ ભલી બાઈને આશ્વાસન આપ્યું, ને તેમણે તસ્દી લઈ મેળવેલા પદાર્થનો ઉપયોગ મારાથી ન થાય તેની માફી માગી. અણજાણપણે મારાથી ભૂકી લેવાઈ તેને સારુ અને પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત્તનું કારણ નથી એ પણ જણાવ્યું.

લેડી રૉબર્ટ્સની સાથેનાં બીજાં મધુર સ્મરણો છે તે હું મૂકી દેવા ઈચ્છું છું. એવાં સ્મરણો ઘણાં છે કે જેનો મહાન આશ્રય ઘણી વિપત્તિઓ ને વિરોધોમાં મને મળી શક્યો છે. શ્રદ્ધાળુ આવાં મીઠાં સ્મરણોમાં જુએ છે કે ઈશ્વર દ્:ખરૂપી કડવાં ઔશ્ધો આપે છે તેની સાથે મૈત્રીનાં