પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ધમધોકાર ચલાવી રહ્યા છે.

અમે ત્રીજા વર્ગની ટિકિટ મેળવવા પ્રયત્ન કર્યો. પણ પી. ઍન્ડ ઓ.ની આગબોટોમાં ત્રીજા વર્ગની ટિકિટ નહોતી મળતી, તેથી બીજા વર્ગની લેવી પડી. દક્ષિણ આફ્રિકાથી સાથે બાંધેલો કેટલોક ફળાહાર જે આગબોટોમાં ન જ મળી શકે એ તો સાથે લીધો જ હતો. બીજો આગબોટમાંથી મળે તેમ હતું.

દા. મહેતાએ શરીરને તો મીડ્ઝ પ્લાસ્ટરના પાટાથી બાંધી મૂક્યું હતું, ને તે પાટા રહેવા દેવાની ભલામણ કરી હતી. મેં બે દહાડા તો તે સહન કર્યા, પણ પછી તે સહન ન કરી શક્યો; એટલે કેટલીક મહેનતે તે ઊતરડી કાઢ્યા ને નાહવાધોવાની છૂટ લીધી. ખાવાનું તો મુખ્યત્વે સૂકો ને લીલો મેવો જ કરી નાખ્યું. તબિયત દિવસે દિવસે સુધરતી ચાલી, ને સુએઝની ખાડીમાં પહોંચ્યા તેટલા સુધીમાં બહુ સારી થઈ ગઈ. જોકે શરીર નબળું હતું છતાં મારો ભય ગયો, ને હું ધીમે ધીમે રોજ થોડી કસરત વધારતો ગયો. આ શુભ ફેરફાર માત્ર શુદ્ધ ને સમશીતોષ્ણ હવાને આભારી હતો એમ મેં માન્યું.

પુરાણા અનુભવને લીધે કે ગમે તે કારણસર હોય, પણ અંગ્રેજ ઉતારુઓ અને અમારી વચ્ચે હું જે અંતર અહીં ભાળી શક્યો તે દક્ષિણ આફ્રિકાથી આવતાં પણ નહોતું ભાળ્યું. ત્યાં પણ અંતર તો હતું, પણ અહીં તેથી જુદા જ પ્રકારનું લાગ્યું. કોઈ કોઈ અંગ્રેજની સાથે વાતો થતી પણ તે 'સાહેબ સલામ' પૂરતી જ. હ્રદયની ભેટ ન થઈ. દક્ષિણ આફ્રિકાની સ્ટીમરમાં તેમ જ દક્ષિણ આફ્રિકામાં હ્રદયની ભેટો થઈ શકી હતી. આવા ભેદનું કારણ હું તો એમ જ સમજ્યો કે આ સ્ટીમરોમાં અંગ્રેજને મન હું રાજ્યકર્તા છું, ને હિંદીને મન પરાયા શાસન નીચે છું, એ જ્ઞાન જાણ્યેઅજાણ્યે પણ કામ કરી રહ્યું હતું.

આવા વાયુમાંથી ઝટ છૂટવા ને દેશ પહોંચવા હું આતુર થઈ રહ્યો હતો. ઍડન પહોંચતાં કંઈક ઘેર પંહોચ્યા જેવો ભાસ આવ્યો. ઍડનવાળા સાથે અમને ઠીક સંબંધ દક્ષિણ આફ્રિકામાં જ બંધાયો હતો; કેમ કે ભાઈ કેકોબાદ કાવસજી દીનશા ડરબન આવી ગયા હતા, ને તેમની ને તેમનાં પત્ની સાથે મને સારો પરિચય થઈ ચૂક્યો હતો. થોડા જ