પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દિવસમાં અમે મુંબઈ પહોંચ્યા. જે દેશમાં ૧૯૦૫માં પાછા ફરવાની આશા રાખતો હતો, ત્યાં દશ વર્ષે પાછો પહોંચી શક્યો તેથી મને બહુ આનંદ થયો. મુંબઈમાં ગોખલેએ મેળાવડા વગેરેની ગોઠવણો કરી જ મૂકી હતી. તેમની તબિયત નાજુક હતી, પણ મુંબઈ આવી પહોંચ્યા હતા. તેમની ભેટ કરી, તેમના જીવનમાં શમી જઈ, મારા ઉપરથી ભાર ઉતારી નાખવાની હોંશે હું મુંબઈ પહોંચ્યો હતો. પણ વિધાતાએ જુદો જ ઘાટ ઘડી રાખ્યો હતો.

૪૪. વકીલાતનાં કેટલાંક સ્મરણો

હિંદુસ્તાનમાં આવ્યા પછી મારા જીવનની ગતિ કેમ ચાલી તેના વર્ણન પર આવતાં પહેલાં મેં ઇરાદાપૂર્વક છોડી દીધેલા કેટલાક ભાગમાંનો થોડો આપવાની જરૂર જણાઈ છે. કેટલાક વક્કિલ મિત્રોએ વકીલાતના સમયનાં ને વકીલ તરીકેનાં સ્મરણોની માગણી કરી છે. આ સ્મરણો એટલાં બધાં છે કે તે ભરવા બેસું તો તેનું જ એક પુસ્તક થઈ જાય. એવાં વર્ણનો મેં જે મર્યાદા આંકી છે તેની બહાર જાય છે. પણ કેટલાંક જે સત્યને લગતાં છે તે આપવાં કદાચ અનુચિત નહીં ગણાય.

મને યાદ છે તે પ્રમાણે, હું એમ તો જણાવી ગયો છું કે વકીલાતના ધંધામાં મેં કદી અસત્યનો પ્રયોગ નથી કર્યો, ને વકીલાતનો મોટો ભાગ કેવળ સેવા અર્થે જ અર્પિત હતો, અને તેને સારુ ખીસાખર્ચ ઉપરાંત હું કશું ન લેતો; કેટલીક વેળા ખીસાખર્ચ પણ જાતે કરતો. મેં માનેલું કે આટલી પ્રતિજ્ઞા એ વિભાગને અંગે બસ હતી. પણ મિત્રોની માંગણી તેથી આગળ જાય છે. તેઓ માને છે કે જો હું સત્ય જાળવ્યાના પ્રસંગોનું આછુંપાતળું પણ વર્ણન આપું તો વકીલોને તેમાંથી કંઈક જાણવાનું મળે.

વકીલાતના ધંધામાં જૂઠું બોલ્યા વિના ન જ ચાલે એમ હું વિદ્યાર્થી તરીકે પણ સાંભળતો. મારે તો જૂઠું બોલીને નહોતું પદ જોઈતું કે નહોતો પૈસો જોઈતો. એટલે આ વાતોની અસર મારી ઉપર નહોતી પડતી.

દક્ષિણ આફ્રિકામાં આની કસોટી તો ઘણી વાર થયેલી. હું જાણું કે સામા પક્ષના સાથીઓને ભણાવવામાં આવ્યા છે, ને હું જરાક પણ અસીલને કે સાક્ષીને જૂઠું બોલવામાં ઉત્તેજન આપું, તો અસીલનો કેસ જિતાય. પણ મેં હમેશાં આ લાલચ જતી કરી છે. એવા એક જ પ્રસંગનું મને સ્મરણ છે કે જ્યારે અસીલનો કેસ