પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ સંવાદ વખતે અસીલ હાજર હતા.

મેં કહ્યું, 'મને તો લાગે છે કે અસીલ અને આપણે બન્ને એવાં જોખમો તો વહોરવાં જ જોઈએ. આપણી કબૂલત વિના પણ કોર્ટ ભૂલભરેલો ઠરાવ ભૂલ જણાતાં બહાલ રાખે એવો શો વિશ્વાસ ? અને ભૂલ સુધારવા જતાં અસીલને નુકસાન વેઠવું પડે તો શી હરકત હોય ?'

'પણ આપણે ભૂલ કબૂલ કરીએ તો ના ?' મોટા વકીલ બોલ્યા.

'આપણે ભૂલ કબૂલ ન કરીએ તોયે કોર્ટ તે ભૂલ ન પકડે, અથવા સામેનો પક્ષ પણ નહીં શોધે, એવી પણ શી ખાતરી ?' મેં જવાબ આપ્યો.

'ત્યારે એ કેસમાં તમે દલીલ કરશો ? ભૂલ કબૂલ કરવાની શરતે હું તેમાં હાજર રહેવા તૈયાર નથી,' મોટા વકીલ દઢતાપૂર્વક બોલ્યા.

મેં નમ્રતાપૂર્વક કહ્યું, 'જો તમે ન જ ઊભા રહો, ને અસીલ ઇચ્છે તો હું ઊભવા તૈયાર છું. જો ભૂલ કબૂલ ન કરીએ તો મારાથી આ કેસમાં કામ થવું અસંભવિત માનું છું.'

આટલું કહી મેં અસીલ સામે જોયું. અસીલ જરા અકળાયા. કેસમાં હું તો આરંભકાળથી જ હતો. અસીલનો વિશ્વાસ મારી ઉપર પૂરો હતો. મારા સ્વભાવથી સંપૂર્ણ રીતે વાકેફ હતા. તેમણે કહ્યું : 'ભલે ત્યારે, તમે જ અદાલતમાં ઊભા રહેજો. ભૂલ કબૂલ કરજો. હારવાનું નસીબમાં હશે તો હારી જઈશું. સાચાનો બેલી ઈશ્વર તો છે જ ના ?'

હું રાજી તહ્યો. મેં બીજા જવાબની આશા જ નહોતી રાખી. મોટા વકીલે મને ફરી ચેતવ્યો. ને મારી 'હઠ'ને સારુ મારી દયા ખાધી ને ધન્યવાદ પણ આપ્યો.

અદાલતમાં શું થયું તે હવે પછી.

૪૫. ચાલાકી ?

મારી સલાહની યોગ્યતા વિશે મને મુદ્દલ શંકા નહોતી. પણ તે કેસને પૂરો ન્યાય આપવાની મારી યોગ્યતા વિશે શંકા પુષ્કળ હતી. એવા જોખમવાળા કેસની દલીલ વરિષ્ઠ અદાલતમાં મારે કરવી એ મને બહુ જોખમભરેલું લાગ્યું. તેથી મનમાં ધ્રૂજતો ધ્રૂજતો હું ન્યાયાધીશોની સામે ઊભો રહ્યો. જેવી પેલી ભૂલની વાત નીકળી તેવા જ એક ન્યાયાધીશ