પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હરકોઈ હિસાબના અનુભવી ભૂલ કરી શકે એવી ભૂલ ઉપરાંત બીજી ભૂલ તમે ન બતાવી શકો તો કાયદાની નજીવી બારીને લીધે બન્ને પક્ષોને નવેસરથી ખર્ચમાં ઇતારવા અદાલત તૈયાર નહીં થાય. ને તમે કહેશો કે અદાલતે જ આ કેસ નવેસરથી સાંભળવો એ બનવાજોગ નથી.'

આવી ને આવી જાતની અનેક દલીલોથી વકીલને શાન્ત કરી, ભૂલ સુધારીને અથવા એટલી ભૂલ સુધારીને ફરી ઠરાવ મોકલવાનો હુકમ પંચ ઉપર કરી, તે સુધરેલા ઠરાવને બહાલ રાખ્યો.

મારા હર્ષનો પાર ન રહ્યો. અસીલ અને મોટા વકીલ રાજી થયા, ને વકીલાતના કામમાં પણ સત્ય જાળવીને કામ થઈ શકે એવી મારી માન્યતા દઢ થઈ.

ધંધાર્થે કરેલી વકીલાતમાત્રના મૂળમાં જે દોષો રહેલા છે તેને આ સત્યની રક્ષા ઢાંકી નથી શકતી એ વાંચનારે યાદ રાખવાની જરૂર છે.


૪૬. અસીલો સાથી થયા

નાતાલ અને ટ્રાન્સવાલની વકીલાતમાં એ ભેદ હતો કે નાતાલમાં ઍડ્વોકેટ અને ઍટર્ની એવો ભેદ હોવા છતાં, બન્ને બધી કોર્ટમાં એકસરખી રીતે વકીલાત કરી શકતા, જ્યારે ટ્રાન્સવાલમાં મુંબઈના જેવો ભેદ હતો. ત્યાં અસીલની સાથેનો બધો વહીવટ ઍડ્વોકેટ ઍટર્ની મારફતે જ કરી શકે. બારિસ્ટર થયો હોય તે ઍડ્વોકેટ અથવા ઍટર્ની ગમે તે એકનો પરવાનો લઈ શકે ને પછી તે ધંધો જ કરી શકે. નાતાલમાં મેં ઍડ્વોકેટનો પરવાનો લીધેલો, ટ્રાન્સવાલમાં ઍટર્નીનો. ઍડ્વોકેટ તરીકે હું હિંદીઓની સાથે સીધા પ્રસંગમાં ન આવી શકત ને ગોરા ઍટર્ની મને કેસો આપે એવું વાતાવરણ દક્ષિણ આફ્રિકામાં નહોતું.

ટ્રાન્સવાલમાં આમ વકીલાત કરતાં માજિસ્ટ્રેટની કોર્ટમાં તો ઘણી વેળા હું જઈ શકતો. આમ કરતાં એક પ્રસંગ એવો આવ્યો કે જ્યારે ચાલતા કેસ દરમિયાન મેં જોયું કે મારા અસીલે મને છેતરો હતો. તેનો કેસ જૂઠો હતો. પીંજરામાં ઊભો તે તૂટી પડતો હતો. આથી મેં માજિસ્ટ્રેટને અસીલની સામે ઠરાવ આપવા કહ્યું ને બેસી ગયો. સામેનો વકીલ આશ્ચર્યચકિત થયો. માજિસ્ટ્રેટ ખુશી થયો. અસીલને મેં ઠપકો આપ્યો.