પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૪૭. અસીલ જેલમાંથી કેમ બચ્યો ?

પારસી રુસ્તમજીના નામથી તો આ પ્રકરણો વાંચનાર સારી પેઠે વાકેફ છે. પારસી રુસ્તમજી એકીવખતે અસીલ અને જાહેર કામમાં સાક્ષી બન્યા; અથવા તેમને વિશે તો એમ પણ કહેવાય કે તે પ્રથમ સાક્ષી બન્યા ને પછી અસીલ. તેમનો વિશ્વાસ મેં એટલે લગી સંપાદન કર્યો હતો કે તેમના ખાનગી ઘરવ્યવહારમાં પણ તે મારી સલાહ માગતા ને તેને અનુસરતા. તેમને દરદ થાય તોપણ તેમાં મારી સલાહની જરૂર જણાતી, ને અમારી રહેણી વચ્ચે ઘણો તફાવત હોવા છતાં તે મારા ઉપચારોનો અમલ પોતાના વિશે કરતા.

આ સાથી ઉપર એક વેળા મોટી આપત્તિ આવી પડી. જોકે પોતાના વેપારની પણ ઘણી વાતો કરતા છતાં એક વાત તો તેમણે મારાથી છુપાવી હતી. પારસી રુસ્તમજી દાણચોરી કરતા. મુંબઈ-કલકત્તાથી માલ મગાવતા તેને અંગે આ ચોરી થતી. બધા અમલદારોની સાથે તેમને સારો બનાવ હતો, તેથી કોઈ તેમની ઉપર શક જ ન લાવે. જે ભરતિયાં તે રજૂ કરે તેની ઉપર દાણની ગણતરી થાય. એવાયે અમલદારો હશે કે જેઓ તેમની ચોરી પ્રત્યે આંખમીંચામણી પણ કરતા હોય.

પણ અખાની વાણી તે કંઈ ખોટી પડે ?-

કાચો પારો ખાવો અન્ન, તેવું છે ચોરીનું ધન.

પારસી રુસ્તમજીની ચોરી પકડાઈ. મારી પાસે દોડી આવ્યા. આંખમાંથી આંસુ ઝરે છે, ને પારસી બોલે છે: 'ભાઈ મેં તમને છેતર્યા છે. મારું પાપ આજે ઉઘાડું પડ્યું છે. મેં દાણની ચોરી કરી છે. હવે મારે નસીબે તો જેલ જ હોય. અને હું તો પાયમાલ થવાનો. આ આફતમાંથી તો તમે જ મને બચાવી શકો. મેં તમારાથી કંઈ છુપાવ્યું નથી. પણ વેપારની ચોરીમાં તમને શું કહેવું હોય, એમ સમજી મેં આ ચોરી છુપાવી. હવે પસ્તાઉં છું.'

મેં ધીરજ આપી ને કહ્યું: 'મારી રીત તમે જાણો છો. છોડાવવું ન છોડાવવું તો ખુદાને હાથ છે. ગુનો કબૂલ કરીને છોડાવાય તો જ હું