પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો છોડાવી શકું.'

આ ભલા પારસીનું મોં પડ્યું.

'પણ મેં તમારી પાસે કબૂલ કર્યું એટલું બસ નહીં ?' રુસ્તમજી શેઠ બોલ્યા.

'તમે ગુનો તો સરકારનો કર્યો, ને મારી પાસે કબૂલો તેમાં શું વળે ?' મેં હળવે જવાબ વાળ્યો.

'મારે છેવટે કરવું તો છે તમે કહો તે જ, પણ મારા જૂના વકીલ- છે તેમની સલાહ લેશો ના ? એ મારા મિત્ર પણ છે,' પારસી રુસ્તમજીએ કહ્યું.

તપાસ કરતાં જોયું કે ચોરી લાંબી મુદત ચાલી હતી. પકડાયેલી ચોરી તો થોડી જ હતી. જૂના વકીલની પાસે અમે ગયા. તેમણે કેસ તપાસ્યો. 'આ કેસ જૂરી પાસે જવાનો. અહીંના જૂરર હિંદીને શાના છોડે? પણ હું આશા તો નહીં જ છોડું,' વકીલ બોલ્યા.

આ વકીલની સાથે મને ગાઢ પરિસય નહોતો. પારસી રુસ્તમજીએ જ જવાબ આપ્યો: 'તમારો આભાર માનું છું. પણ આ કેસમાં મારે મિ. ગાંધીની સલાહ પ્રમાણે ચાલવું છે. તે મને વધારે ઓળખે. તમે એમને સલાહ આપવી ઘટે તે આપતા રહેજો.'

આમ ભીનું સંકેલી અમે રુસ્તમજી શેઠની દુકાને ગયા.

મેં સમજાવ્યું: 'આ કેસ કોર્ટમાં જવાને લાયક નથી માનતો. કેસ કરવો ન કરવો દાણી અમલદારના હાથમાં છે. તેને પણ સરકારના મુખ્ય વકીલની સલાહ પ્રમાણે ચાલવું પડશે. હું બન્નેને મળવા તૈયાર છું. પણ મારે તો તેઓ નથી જાણતા એ ચોરીની પણ કબૂલાત આપવી પડશે. તેઓ ઠરાવે તે દંડ આપવાનું હું કબૂલ કરવા ધારું છું. ઘણે ભાગે તો તેઓ માનશે. પણ કદાચ ન માને તો જેલ સારુ તૈયાર રહેવું જોઈશે. મારો તો અભિપ્રાય છે કે લજ્જા જેલમાં જવામાં નથી પણ ચોરી કરવામાં છે. લજ્જાનું કામ તો થઈ ચૂક્યું. જેલ જવું પડે તો પ્રાયશ્ચિત્ત સમજજો. ખરું પ્રાયશ્ચિત્ત તો હવે પછી દાણચોરી ન કરવાની પ્રતિજ્ઞામાં છે.'

આ બધું રુસ્તમજી શેઠ બરોબર સમજ્યા એમ હું ન કહી શકું. તે બહાદુર માણસ હતા. પણ આ વખતે હારી ગયા હતા. તેમની પ્રતિષ્ઠા