પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રહેવા દે? તેમણે આવવાનો આગ્રહ રાખ્યો. આવ્યા તો ખરા, પણ તેમને મૂંઝારી આવી ને પાછ જવું પડ્યું. આવું તેમને વખતો વખત થતું એટલે તેમણે ખબર દેવડાવ્યા કે અમારે પાર્ટી તો ચાલુ જ રાખવાની. પાર્ટી એટલે સોસાયટીના આશ્રમમાં મહેમાનઘરની પાસેના ચોગાનમાં જાજમ આથરી બેસવું. મગફળી, ખજૂર વગેરે ચાવવાં, અને પ્રેમ વાર્તા કરવી ને એકબીજાંના હ્રદય વધારે જાણવાં.

પણ આ મૂંઝારી મારા જીવનને સારુ સામાન્ય અનુભવ નહોતી થવાની.

૩. ધમકી એટલે ?

મુંબઈથી મારા વડીલ ભાઈની વિધવાને અને બીજા કુટુંબીઓને મળવા સારુ રાજકોટ તથા પોરબંદર જવાનું હતું તેથી ત્યાં ગયો. દક્ષિણાઅફ્રિકામાંસત્યાગ્રહની લડતને અંગે મેં મારો પહેરવેશ ગિરમીટિયા મજૂરને લગતો જેટલો કરી શકાય તેટલો કરી નાખ્યો હતો. વિલાયતમાં પણ ઘરમાં એ જ પોશાક પહેરતો. દેશમાં આવીને મારે કાઠિયાવાડનો પહેરવેશ રાખવો હતો. તે દક્ષિણ આફ્રિકામાં મારી સાથે રાખ્યો હતો. તેથી મુંબઈ હું એ પહેરવેશ થી ઊતરી શક્યો હતો, એટલે કે પહેરણ, અંગરખું, ધોતિયું ને ધોળો ફેંટો.આ બધાં દેશી મિલના જકપડાં બનેલા હતાં. મુંબઈથી કાઠિયાવાડ ત્રીજા વર્ગમાં જ જવાનું હતું. તેમાં ફેંટો ને અંગરખું મને જંજાળરૂપ લાગ્યાં. તેથી માત્ર પહેરણ , ધોતિયું ને આઠ દશ આનાની કાશ્મીરી ટોપી રાખ્યાં. આવો પોશાક પહેરનાર તરીબમાં જ ખપે. આ વેળા વીરમગામ કે વઢવાણમાં મરકીને લીધે ત્રીજા વર્ગમાં ઉતારુઓની તપાસ થતી હતી. મને થોડો તાવ હતો. તપાસ કરનાર અમલદારે, હાથ જોતાં તેને તે ગરમ લાગ્યો તેથી, મને રાજકોટમાં દાક્તરને મળવાનો હુકમ કર્યો ને નામ નોંધ્યું.

મુંબઈથી કોઈએ તાર મોકલ્યો હશે, તેથી વઢવાણ સ્ટેશને ત્યાંના પ્રજાસેવક તરીકે પંકાયેલા દરજી મોતીલાલ મળવા આવ્યા હતા, તેમણે મારી પાસે વીરમગામની જકાત તપાસણી અને તેને અંગે થતી વિટંબણાઓની વાત કરી. હું તાવથી પીડાતો હતો તેથી વાતો કરવાની ઈછાતો થોડી જ હતી. મેં તેમને ટૂંકમાં જ જવાબ દીધો: