પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મોટા ગણતા માણસો પણ ત્રીજા વર્ગમાં ફરે તો તેમણે ગરીબોને લાગુ પડતા નિયમોને સ્વેચ્છાએ વશ વર્તવું જોઈએ, ને અમલદારોએ પક્ષપાત ન કરવો જોઈએ. પણ મારો અનુભવ એવો છે કે, અમ્લદારો ત્રીજા વર્ગના મુસાફરોને મનુષ્ય ગણવાને બદલે જાનવર જેવા ગણે છે. તુંકારા સિવાય તો તેમને બોલાવાય જ નહીં. ત્રીજા વર્ગના મુસાફરથી સામે જવાબ ન અપાય, દલીલ ન થાય. કેમકે જાણે તે અમલદારનો નોકર હોય નહીં એમ તેણે વર્તવું રહ્યું. તેને અમલદાર માર મારે, તેને લૂંટે, તેને ટ્રેન ચૂકાવે, તેને ટિકિટ દેતા રિબાવે. આ બધું મેં જાતે અનુભવ્યું છે. અને આ વસ્તુસ્થિતિમાં સુધારો તો જ થાય જો કેટલાક ભણેલા અને ધનિક ગરીબ જેવા બને અને ત્રીજા વર્ગમાં ફરી ગરીબ મુસાફરને ન મળતી હોય એવી એક પણ સગવડ ન ભોગવે અને અગવડો, અવિવેક, અન્યાય બીભત્સતા મૂંગે મોઢે સહન ન કરતાં તેમની સામે થાય ને દાદ મેળવે.

કાઠિયાવાડમાં હું જ્યાં જ્યાં ફર્યો ત્યાં ત્યાં વીરમગામની જકાતની તપાસને અંગે થતી હાડમારીની ફરિયાદો સાંભળી.

તેથી લૉર્ડ વિલિંગ્ડને આપેલા નિમંત્રણનો મેં તુરત ઉપયોગ કર્યો. અ બાબતનાં મળ્યાં એટલાં કાગળીયા વાંચ્યા. ફરિયાદમાં ઘણું તત્ય હતું એમ મેં જોયું. તે બાબત મેં મુંબઈની સરકાર સાથે પત્ર વ્યવહાર ચલાવ્યો. સેક્રેટરીને મળ્યો. લૉર્ડ વિલિંગ્ડનને પણ મળેલો. તેમણે દિલસોજી બતાવી, પણ દિલ્હીની ઢીલની રાવ ખાધી.

'જો અમારા જ હાથમાં હોત તો અમે ક્યારની એ જકાત કાઢી નાંખી હોત, તમે વડી સરકાર પાસે જાઓ.' આમ સેક્રેટરીએ કહ્યું.

મેં વડી સરકાર સાથે પત્ર વ્યહવાર ચલાવ્યો. પણ પહોંચ ઉપરાંત કશો જવાબ ન મળ્યો. જ્યારે મને લૉર્ડ ચેમ્સફર્ડને મળવાનો પ્રસંગ આવ્યો ત્યારે, એટલે લગભગ બે વર્ષના પત્રવ્યહવાર બાદ, દાદ મળી. લૉર્ડ ચેમ્સફર્ડને વાત કરી ત્યારે તેમણે આશ્વર્ય બતાવ્યું. તેમને વીરમગામને વિષે કંઈ જ ખબર નહોતી. મારી વાત ધ્યાન પૂર્વક સાંભળી, અને તે જ વખત્રે ટેલિફોન કરી વીરમગામન કાગળિયાં મંગાવ્યાં. જો મારી હકીકતની સામે અમલદારોને કંઈ કહેવાનું નહીં હોય તો જકાત રદ્દ