પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૌટુંબિક ભાવના હોવી જોઈએ. તેથી બધા અધ્યાપકોને નામો આપ્યાં હતાં. તેમાં કાલેલકર 'કાકા' નામ પામ્યા. ફડકે 'મામા' થયા. હરિહર શર્મા 'અણ્ણા' થયા. અને બીજાઓને યોગ્ય નામો મળ્યાં. કાકાના સાથી તરીકે આનંદાનંદ (સ્વામી) અને મામાના મિત્ર તરીકે પટવર્ધન (આપ્પા) આગળ જતાં આ કુટુંબમાં જોડાયા. એ કુટુંબમાંના ઉપરના પાંચે એક પછી એક મારા સાથી થયા. દેશપાંડે 'સાહેબ'ને નામે ઓળખાયા. સાહેબનું વિદ્યાલય બંધ થયા પછી આ કુટુંબ વીખરાયું. પણ એ લોકોએ પોતાનો અધ્યાત્મિક સંબંધ ન છોડ્યો. કાકાસાહેબ જુદા જુદા અનુભવો લેવા લાગ્યા, અને તે અનુભવોને અંગે આ વખતે શાંતિનિકેતનમાં રહેતા હતા. તે જ મંડળના એક બીજા ચિંતામણ શાસ્ત્રી ત્યાં રહેતા હતા. આ બંને સંસ્કૃત શીખવવામાં ભાગ લેતા હતા.

શાંતિનિકેતનમાં મારા મંડળને નોખો ઉતારો આપવામાં આવ્યો હતો. અહીં મગનલાલ ગાંધી તે મંડળને સાચવી રહ્યા હતા, અને ફિનિક્સ આશ્રમના બધા નિયમોનું સૂક્ષ્મતાએ પાલન કરતા કરાવતા હતા. મેં જોયું કે તેમણે શાંતિનિકેતનમાં પોતાની સુવાસ પોતાનાં પ્રેમ, જ્ઞાન અને ઉદ્યોગને લીધે ફેલાવી હતી. અહીં ઍન્ડ્રૂઝ તો હતા જ. પિયર્સન હતા. જગદાનંદબાબુ, નેપાળબાબુ, સંતોષબાબુ, ખિતિમોહનબાબુ, નગીનબાબુ, શરદબાબુ અને કલિબાબુની સાથે ઠીક સંબંધમાં આવ્યા.

મારા સ્વભાવ પ્રમાણે હું વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે ભળી ગયો, અને જાતમહેનતને વિષે ચર્ચા કરવા લાગ્યો. પગારદાર રસોઈયાને બદલે જો શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાની રસોઈ કરી લે તો સારું થાય. રસોડાની ઉપર આરોગ્ય અને નીતિની દૃષ્ટિએ શિક્ષક વર્ગ કાબૂ મેળવે, અને વિદ્યાર્થીઓ સ્વાશ્રય અને સ્વયંપાકનો પદાર્થપાઠ લે. આ વાત મેં ત્યાંના શિક્ષકો આગળ મૂકી. એક બે શિક્ષકે માથું ધુણાવ્યું. કેટલાકને આ પ્રયોગ બહુ ગમ્યો. બાળકોને તો, નવી ચીજ ગમે તે હોય તો ગમે જ તે ન્યાયે, આ પણ ગમી. અને અખતરો શરૂ થયો. આ વાત કવિશ્રી આગળ મૂકતાં, શિક્ષકો અનુકૂળ થાય તો આ અખતરો પોતાને તો જરૂર ગમે એવો અભિપ્રાય તેમણે આપ્યો. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું, 'આમાં સ્વરાજની ચાવી રહેલી છે.'