પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઍન્ડ્રૂઝ બર્દવાન સુધી મારી સાથે આવ્યા હતા. તેમણે મને પૂછ્યું, 'તમારે હિંદુસ્તાનમાં સત્યાગ્રહ કરવાનો અવસર આવે એમ લાગે છે ખરું? ને લાગતું હોય તો ક્યારે એની કાંઈ કલ્પના આવે છે?'

મેં જવાબ આપ્યો, 'આનો જવાબ આપવો મુશ્કેલ છે. મારે એક વર્ષ તો કંઈ કરવાપણું છે જ નહીં. ગોખલેએ મારી પાસેથી વચન લીધું છે કે, એક વર્ષ લગી મારે ભ્રમણ કરવું, કોઈ જાહેર પ્રશ્ન પર વિચાર ન બાંધવો, ન બતાવઓ. આ વચન હું અક્ષરશ: પાળવાનો છું. પછી પણ મારે કોઈ પ્રશ્ન પર બોલવાપણું હશે તો જ હું બોલવાનો છું. એટલે પાંચ વર્ષ લગી સત્યાગ્રહ કરવાનો અવસર આવે એમ મને લાગતું નથી.'

અહીં આટલું કહેવું પ્રસ્તુત છે કે 'હિંદ સ્વરાજ'માં મેં જે વિચારો દર્શાવ્યા છે તેને ગોખલે હસી કાઢતા ને કહેતા: 'એક વર્ષ તમે હિંદુસ્તાનમં રહી જશો એટલે તમારા વિચારો એની મેળે ઠેકાણે આવશે.'

૫. ત્રીજા વર્ગની વિટંબણા

બર્દવાન પહોંચીને અમારે ત્રીજા વર્ગની ટિકિટ લેવાની હતી. તે મેળવતાં વિટંબણા પડી. 'ત્રીજા વર્ગના ઉતારુને ટિકિટ વહેલી આપવામાં નથી આવતી.' એવો જવાબ મળ્યો. હું સ્ટેશનમાસ્તર પાસે ગયો. મને તેમની પાસે કોણ જવા દે? કોઈએ દયા કરી સ્ટેશનમાસ્તરને બતાવ્યા. ત્યાં પહોંચ્યો. તેમની પાસેથી પણ ઉપરનો જ જવાબ મળ્યો. 'બાર ઊઘડ્યાં' ત્યારે ટિકિટ લેવા ગયો. પણ સહેલાઈથી ટિકિટ મળે તેમ નહોતું. બળવાન ઉતારુઓ એક પછી એક ઘૂસતા જાય ને મારા જેવાને હઠાવતા જાય. છેવટે ટિકિટ તો મળી.

ગાડી આવી. ત્યાં પણ બળિયા હતા તે પેસી ગયા. ઉતારુ વચ્ચે ને પેસનાર વચ્ચે ફાગ ઉડે, ધક્કામુક્કી ચાલે. એમાં મારાથી ભાગ લેવાય તેમ નહોતું. અમે ત્રણે આમતેમ જઈએ. બધેયથી એક જ જવાબ મળે, 'અહીં જગ્યા નથી.' હું ગાર્ડ પાસે ગયો. તે કહે, 'જગ્યા મળે તો બેસો, નહીં તો બીજી ટ્રેનમાં જાઓ.'

મેં નમ્રતાપૂર્વક કહ્યું, 'પણ મારે અગત્યનું કામ છે.' આ સાંભળવાનો ગાર્ડને વખત નહોતો. હું હાર્યો. મગનલાલને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી