પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મગનલાલ અને હું સ્ટેશનના પંપે પાણી લઈ નાહ્યા. પણ પત્નીને સારુ કંઈક તજવીજ કરી રહ્યો હતો તેટલામાં સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટીના ભાઈ કોલે અમને ઓળખ્યા. તે પણ પૂના જતા હતા. પત્નીને બીજા વર્ગની કોટડીમાં નાહવા લઈ જવાનું તેમણે કહ્યું. આ વિનયનો સ્વીકાર કરતાં મને સંકોચ થયો. પત્નીને બીજા વર્ગની કોટડીનો આશ્રય લેવાનો અધિકાર નહોતો, એનું મને જ્ઞાન હતું. પણ મેં આ કોટડીમાં તેને નાહવા દેવાની અયોગ્યતાની પ્રત્યે આંખ આડા કાન કર્યા. સત્યના પૂજારીને આવુંયે ન શોભે. પત્નીને કંઈ જવાનો આગ્રહ નહોતો. પણ પતિના મોહરૂપ સુવર્ણપાત્રે સત્યને ઢાંક્યું.


૬. મારો પ્રયત્ન

પૂના પહોંચીને ઉત્તરક્રિયા વગેરે ઊજવીને સોસાયટીએ કેમ નભવું અને મારે તેમાં જોડાવું કે નહીં, એ પ્રશ્ન અમે બધા ચર્ચતા થઈ ગયા. મારી ઉપર મોટો મોટો બોજો આવી પડ્યો. ગોખલે જીવતાં મારે સોસાયટીમાં દાખલ થવાનો પ્રયત્ન કરવાપણું નહોતું. મારે કેવળ ગોખલેની આજ્ઞાને અને ઈચ્છાને વશ થવાનું હતું. આ સ્થિતિ મને ગમતી હતી. ભારતવર્ષના તોફાની સમુદ્રમાં ઝંપલાવતાં મને સુકાનીની જરૂર હતી, ને ગોખલે જેવા સુકાનીની નીચે હું સુરક્ષિત હતો.

હવે મને લાગ્યું કે મારે સોસાયટીમાં દાખલ થવાને સારુ સતત પ્રયત્ન કરવો રહ્યો. ગોખલેનો આત્મા એમ જ ઈચ્છે એમ મને લાગ્યું. મેં વગરસંકોચે ને દૃઢતાપૂર્વક એ પ્રયત્ન આદર્યો. આ વખતે સોસાયટીના લગભગ બધા સભ્યો પૂનામાં હાજર હતા. એમને વીનવવાનું અને મારે વિષે જે ભય હતા તે દૂર કરવાનું મેં શરૂ કર્યું. પણ મેં જોયું કે સભ્યોમાં મતભેદ હતો. એક અભિપ્રાય મને દાખલ કરવા તરફ હતો, બીજો દૃઢતાપૂર્વક મને દાખલ કરવા સામે હતો. હું બંનેનો મારા પ્રત્યોનો પ્રેમ જોઈ શકતો હતો. પણ મારા પ્રત્યેના પ્રેમ કરતાં સોસાયટી તરફની તેમની વફાદારી કદાચ વિશેષ હતી, પ્રેમથી ઊતરતી તો નહોતી જ.

આથી અમારી બધી ચર્ચા મીઠી હતી, અને કેવળ સિદ્ધાંતને અનુસરનારી હતી. વિરુદ્ધ પક્ષનાને એમ જ લાગેલું કે, અનેક બાબતોમાં