પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૮. લક્ષ્મણ ઝૂલા

પહાડ જેવા લાગતા મહાત્મા મુનશીરામજીનાં દર્શન કરવા ને તેમનું ગુરુકુલ જોવા ગયો ત્યારે મને બહુ શાંતિ મળી. હરદ્વારનો ઘોંઘાટ ને ગુરુકુલની શાંતિની વચ્ચેનો ભેદ સ્પષ્ટ જોવામાં આવતો હતો. મહાત્માએ મને પ્રેમથી નવરાવ્યો. બ્રહ્મચારીઓ મારી પાસેથી ચસે જ નહીં. રામદેવજી મુલાકાત પણ તે જ વખતે થઈ, અને તેમની શક્તિની ઓળખ હું તરત કરી શક્યો. અમારી વચ્ચે કેટલીક મતભિન્નતા અમે જોઈ શક્યા, છતાં અમારી વચ્ચે સ્નેહગાંઠ બંધાઈ. ગુરુકુલમાં ઔદ્યોગિક શિક્ષણ દાખલ કરવાની આવશ્યકતા વિષે રામદેવજી તથા બીજા શિક્ષકો સાથે ઠીક ચર્ચા કરી. મને ગુરુકુલ તુરત છોડતાં દુઃખ થયું.

મેં લક્ષ્મણ ઝૂલાની સ્તુતિ ખૂબ સાંભળી હતી. હ્રષીકેશ ગયા વિના હરદ્વાર ન છોડવાની મને ઘણાની ભલામણ થઈ. મારે તો ત્યાં ચાલતા જવું હતું. એટલે એક મજલ હ્રષીકેશની ને બીજી લક્ષ્મણ ઝૂલાની હતી.

હ્રષીકેશમાં ઘણા સંન્યાસીઓ મળવા આવ્યા હતા. તેમાંના એકને મારા જીવનમાં બહુ રસ લાગ્યો. ફિનિક્સ મંડળ મારી સાથે હતું. તે બધાને જોઈને તેમણે ઘણા પ્રશ્નો પૂછ્યા. અમારી વચ્ચે ધર્મની ચર્ચા થઈ. મને ધર્મની તીવ્ર લાગણી છે એમ તેમણે જોયું. હું ગંગાસ્નાન કરીને આવ્યો હતો એટલે શરીર ઉઘાડું હતું. તેમણે મારે માથે શિખા ન જોઈ ને શરીરે જનોઈ ન જોઇ તેથી દુઃખ પામ્યા ને મને પૂછ્યું:

'તમે આસ્તિક છો છતાં જનોઇ અને શિખા ન રાખો તેથી અમારા જેવાને દુઃખ થાય. આ બે હિંદુ ધર્મની બાહ્ય સંજ્ઞાઓ છે, ને તે દરેક હિંદુએ રાખવી જોઇએ.'

દશેક વર્ષની ઉંમરે પોરબંદરમાં બ્રાહ્મણોની જનોઇના છેડે બાંધેલી ચાવીના રણકાર હું સાંભળતો તેની મને અદેખાઇ થતી. રણકાર કરતી કૂંચીઓ જનોઇને બાંધીને ફરીએ તો કેવું સારું એમ લાગતું. કાઠિયાવાડમાં વૈશ્ય કુટુંબમાં જનોઇનો રિવાજ તે વેળા નહોતો. પણ પ્રથમ ત્રણ વર્ણે જનોઇ પહેરવી જ જોઇએ એવો નવો પ્રચાર ચાલી રહ્યો હતો. તેને અંગે ગાંધી કુટુંબમાં કેટલાક જનોઇ પહેરતા થયા હતા. જે બ્રાહ્મણ અમને