પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બેત્રણ સગાને રામરક્ષાનો પાઠ શીખવતા હતા તેમણે અમને જનોઇ પહેરાવી. અને મારી પાસે કૂંચી રાખવાનું કશું કારણ નહોતું, છતાં મેં બે ત્રણ કૂંચીઓ લટકાવી. જનોઇ તૂટી ગઈ ત્યારે તેનો મોહ ઊતરી ગયો હતો કે નહીં એ તો યાદ નથી, પણ મેં નવી ન પહેરી.

મોટી ઉંમર થતાં બીજાઓએ મને જનોઇ પહેરાવવાનો પ્રયત્ન હિંદુસ્તાનમાં તેમ જ દક્ષિણ આફ્રિકામાં કરેલો, પણ મારી ઉપર તેમની દલીલની અસર ન થઈ. શૂદ્ર જનોઇ ન પહેરે તો બીજા વર્ણ કેમ પહેરે? જે બાહ્ય વસ્તુનો રિવાજ અમારા કુટુંબમાં નહોતો તે દાખલ કરવાનું મને એક પણ સબળ કારણ નહોતું મળ્યું. મને જનોઇનો અભાવ નહોતો, પણ તે પહેરવાનાં કારણનો અભાવ હતો. વૈષ્ણવ હોવાથી હું કંઠી પહેરતો. શિખા તો વડીલો અમને ભાઇઓને રખાવતા. વિલાયત જતાં ઉઘાડું માથું હોય, ગોરાઓ તે જોઇને હસે અને જંગલી ગણે એવી શરમથી શિખા કપાવી હતી. મારી સાથે રહેતા મારા ભત્રીજા છગનલાલ ગાંધી દક્ષિણ આફ્રિકામાં બહુ ભાવપૂર્વક શિખા રાખી રહ્યા હતા. તે શિખા તેમના જાહેર કામમાં વચ્ચે આવશે એમ વહેમથી મેં તેમનું મન દૂભવીને તે છોડાવી હતી. આમ શિખાની મને શરમ હતી.

સ્વામીને ઉપરની હકીકત મેં કહી સંભળાવી ને કહ્યું:

'જનોઈ તો હું ધારણ નહીં કરું. અસંખ્ય હિંદુઓ જે નથી પહેરતાં છતાં હિંદુ ગણાય છે, તે મારે પહેરવાની હું જરૂર નથી જોતો. વળી જનોઇ ધારણ કરવી એટલે બીજો જન્મ લેવો; એટલે આપણે ઇરાદાપૂર્વક શુદ્ધ થવું, ઊર્ધ્વગામી થવું. અત્યારે હિંદુ સમાજ અને હિંદુસ્તાન પડેલાં છે, તેમાં જનોઇ પહેરવાનો આપણને અધિકાર જ ક્યાં છે? હિંદુ સમાજ અસ્પૃશ્યતાનો મેલ ધુએ, ઊંચનીચની વાત ભૂલી જાય, બીજા ઘર કરી ગયેલા દોષો કાઢે, ચોમેર ફેલાયેલાં અધર્મ, પાખંડ દૂર કરે, ત્યારે તેને જનોઇનો અધિકાર ભલે હો. એટલે જનોઇ ધારણ કરવાની તમારી વાતનો મને ઘૂંટડો નથી ઊતરતો, પણ શિખા વિષેની તમારી વાત મારે અવશ્ય વિચારવી પડશે. તે તો હું રાખતો. તે મેં શરમ અને બીકને માર્યે કપાવી નાખી છે. તે ધારણ કરવી જોઇએ એમ મને લાગે છે. મારા સાથીઓ જોડે આ વાત હું વિચારી લઈશ.'