પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તબેલા જેવી કોટડીઓને સ્વર્ગાશ્રમનું નામ આપવામાં આવ્યું હતું. આ સાધકોને સારુ બનાવવામાં આવી હતી એમ મને કહેવામાં આવ્યું. તેમાં ભાગ્યે કોઇ સાધક એ વખતે રહેતા હતા. આને લગતા મુખ્ય મકાનમાં રહેનારાઓએ પણ મારી ઉપર સારી છાપ ન પાડી.

પણ હરદ્વારના અનુભવો મારે સારુ અમૂલ્ય નીવડ્યા. મારે ક્યાં વસવું ને શું કરવું એનો નિશ્ચય કરવામાં હરદ્વારના અનુભવોએ મને બહુ મદદ કરી.

૯. આશ્રમની સ્થાપના

કુંભની યાત્રા એ મારી હરદ્વારની બીજી મુલાકાત હતી. સત્યાગ્રહાશ્રમની સ્થાપના ૧૯૧૫ના મેની ૨૫મીએ થઈ. શ્રદ્ધાનંદજીની માગણી એવી હતી કે મારે હરદ્વારમાં વસવું. કલકત્તાના કેટલાક મિત્રોની સલાહ વૈદ્યનાથધામમાં વસવાની હતી. કેટલાક મિત્રોનો ભારે આગ્રહ રાજકોટમાં વસવાનો હતો.

પણ જ્યારે હું અમદાવાદમાંથી પસાર થયો ત્યારે ઘણા મિત્રોએ અમદાવાદ પસંદ કરવા કહ્યું, ને આશ્રમનું ખર્ચ તેમણે જ ઉપાડી લેવાનું બીડું ઝડપ્યું. મકાન શોધી દેવાનું પણ તેમણે જ કબૂલ કર્યું.

અમદાવાદ ઉપર મારી નજર ઠરી હતી. હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરીશ એમ માનતો હતો. અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં જ વધારે સારી રીતે થઈ શકશે એવી પણ માન્યતા હતી. ગુજરાતનું પાટનગર હોવાથી અહીંના ધનાઢ્ય લોકો ધનની વધારે મદદ દઈ શકશે એ પણ આશા હતી.

અમદાવાદના મિત્રોની સાથેના સંવાદોમાં અસ્પૃષ્યનો પ્રશ્ન ચર્ચાયો હતો. મેં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, જો કોઈ લાયક અંત્યજ ભાઇ આશ્રમમાં દાખલ થવા માગશે તો હું તેને જરૂર દાખલ કરીશ.

'તમારી શરતનું પાલન કરી શકે એવા અંત્યજ ક્યાં રેઢા પડ્યા છે?' એમ એક વૈષ્ણવ મિત્રે પોતાના મનનો સંતોષ વાળ્યો. અને અમદાવાદમાં વસવાનો છેવટે નિશ્ચય થયો.

મકાનોની શોધ કરતાં, મને અમદાવાદમાં વસાવવામાં અગ્રભાગ