પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપણે અંત્યજવાડે રહેવા જઈશું.'

મારી ઉપર આવી ભીડ પહેલી વાર નહોતી. દરેક વારે છેલ્લી ઘડીએ શામળાએ મદદ મોકલી દીધી છે.

મગનલાલે નોટિસ આપ્યા પછી તુરત જ એક સવારે કોઈ બાળકે ખબર આપ્યા: 'બહાર મોટર ઊભી છે, ને એક શેઠ તમને બોલાવે છે.' હું મોટર પાસે ગયો. શેઠે મને પૂછ્યું: 'મારી ઇચ્છા આશ્રમને કંઈ મદદ દેવાની છે, તમે લેશો?' મેં જવાબ આપ્યો: જો કંઈ આપો તો હું જરૂર લઉં. મારે કબૂલ કરવું જોઈએ કે અત્યારે હું ભીડમાં પણ છું.'

'હું કાલે આ જ વેળાએ આવીશ ત્યારે તમે આશ્રમમાં હશો?' મેં હા કહી ને શેઠ ગયા. બીજે દહાડે નીમેલે સમયે મોટરનું ભૂંગળું વાગ્યું. બાળકોએ ખબર આપી. શેઠ અંદર ન આવ્યા. હું તેમને મળવા ગયો. તેઓ મારા હાથમાં રૂ. ૧૩,૦૦૦ની નોટો મૂકી ચાલતા થયા.

આ મદદની મેં કદી આશા નહોતી રાખી. મદદ આપવાની આ રીત પણ નવી ભાળી. તેમણે આશ્રમમાં પહેલાં કદી પગ મૂક્યો નહોતો. તેમને હું એક જ વાર મળ્યો હતો એવું મને યાદ છે. ન આશ્રમમાં આવવું, ન પૂછવું; બારોબાર પૈસા આપીને ચાલતા થવું. મારો પહેલો જ અનુભવ હતો. આ મદદથી અંત્યજવાડામાં જવાનું આળસ્યું. લગભગ એક વર્ષનું ખર્ચ મને મળી ગયું.

પણ જેમ બહાર ખળભળાટ થયો તેમ જ આશ્રમમાંયે થયો. જોકે દક્ષિણ આફ્રિકામાં મારે ત્યાં અંત્યજો વગેરે આવતા, રહેતા, જમતા, પણ અહીં અંત્યજ કુટુંબનું આવવું પત્નીને અને બીજા સ્ત્રીમંડળને ગમ્યું એમ ન કહેવાય. દાનીબહેન પ્રત્યેનો અણગમો નહીં તો તેમના પ્રત્યેની ઉદાસીનતા, એવી બાબતમાં મારી બહુ ઝીણી આંખ જોઈ જતી અને તીણા કાન સાંભળી જતા. આર્થિક મદદના અભાવની બીકે મને જરાયે ચિંતામાં નહોતો નાખ્યો. પણ આ આંતરખળભળાટ વસમો થઈ પડ્યો. દાનીબહેન સામાન્ય બાઈ હતી. દૂદાભાઈનું ભણતર સહજ હતું, પણ તેમની સમજ સારી હતી, તેમની ધીરજ મને ગમી હતી. તેમને કોઈ વેળા ક્રોધ આવતો, પણ એકંદરે તેમની સહનશક્તિની મારા ઉપર સારી છાપ પડેલી. ઝીણાં અપમાનો ગળી જવાનું હું દૂદાભાઈને વીનવતો