પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૧. ગિરમીટની પ્રથા

નવા વસેલા અને આંતરબાહ્ય તોફાનોમાંથી ઊગરી ગયેલા આશ્રમને છોડી હમણાં ગિરમીટની પ્રથાનો થોડો વિચાર કરી લેવાનો સમય આવ્યો છે. ગિરમીટિયા એટલે પાંચ કે એથી ઓછાં વર્ષના મજૂરીના કરારનામામાં સહી કરીને હિંદુસ્તાનની બહાર મજૂરી કરવા ગયેલ મજૂરો. આવા નાતાલના ગિરમીટિયા ઉપરથી ત્રણ પાઉંડનો વાર્ષિક કર સન ૧૯૧૪માં નાબૂદ થયો હતો, પણ એ પ્રથા હજુ બંધ નહોતી થઈ. સન ૧૯૧૬માં ભારતભૂષણ પંડિત માલવીયજીએ આ પ્રશ્ન ધારાસભામાં ઉઠાવ્યો હતો, અને લૉર્ડ હાર્ડિંગે તેમનો ઠરાવ સ્વીકારી લઈને જાહેર કરેલું કે એ પ્રથા 'સમય આવતાં' નાબૂદ કરવાનું વચન શહેનશાહ પાસેથી મને મળ્યું છે. પણ એ પ્રથા તત્કાળ બંધ કરવાનો નિર્ણય થઈ જવો જોઈએ એમ મને તો સ્પષ્ટ જણાયું. આ પ્રથાને હિંદુસ્તાને પોતાની બેદરકારીથી ઘણાં વર્ષ નિભાવી લીધી હતી. હવે એ બંધ થઈ શકે એટલી જાગૃતિ લોકોમાં છે એમ મેં માન્યું. કેટલાક આગેવાનોને મળ્યો, કંઈક છાપાંમાં આ વિશે લખ્યું, ને મેં જોયું કે લોકમત આ પ્રથા કાઢી નાખવાના પક્ષનો હતો. આમાં સત્યાગ્રહનો ઉપયોગ થઈ શકે? મને તેને વિશે શંકા નહોતી. પણ કેમ તે હું નહોતો જાણતો.

દરમિયાન વાઈસરોયે 'સમય આવતાં' શબ્દનો અર્થ કરી બતાવવાની તક લીધી હતી. તેમણે જાહેરે કરેલું કે, 'બીજી વ્યવસ્થા કરવામાં જેટલો સમય લાગે તેટલા સમયમાં' એ પ્રથા નાબૂદ થશે. એટલે સને ૧૯૧૭ના ફેબ્રુઆરીમાં ભારતભૂષણ પંડિત માલવીયજીએ ગિરમીટ પ્રથા સદંતર નાબૂદ કરવાનો કાયદો રજુ કરવાની વડી ધારાસભામાં રજા માગી ત્યારેવાઇસરોયે તે નામંજૂર કરી. એટલે આ પ્રશ્નને અંગે મેં હિંદુસ્તાનમાં ભ્રમણ શરૂ કર્યું.

ભ્રમણ શરૂ કરતાં પહેલાં ના. વાઇસરૉયને મળી લેવું ઉચિત ધાર્યું. તેમણે તરત મને મળવાની તારીખ મોકલી. તે વખતના મિ. મેફી, હવે સરજોન મેફી, તેમના મંત્રી હતા. મિ. મેફીની સાથે મને ઠીક સંબંધ બંધાયો. લૉર્ડ થેમ્સફર્ડની સાથે સંતોષકારક વાત થઈ. તેમણે નિશ્ચયપૂર્વક