પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો કંઈ ન કહ્યું, પણ મને તેમની મદદની આશા બંધાઈ.

ભ્રમણનો આરંભ મુંબઈથી કર્યો. મુંબઈમાં સભા ભરવાનું મિ. જહાંગીર પિટીટે માથે લીધું. ઇમ્પીરિયલ સિટીઝનશીપ ઍસોસિયેશનને નામે સભા થઈ. તેમાં મૂકવાના ઠરાવોને સારુ સમિતિ મળી. તેમાં ડો. રીડ, સર લલ્લુભાઈ શામળદાસ, મિ. નટરાજન વગેરે હતા. મિ. પિટીટ તો હતા જ. ઠરાવમાં ગિરમીટની પ્રથા બંધ કરવાની વિનંતી કરવાની હતી. ક્યારે વંધ કરવી એ સવાલ હતો. ત્રણ સૂચનાઓ હતી: 'જેમ બને તેમે જલ્દી', '૩૧મી જુલાઈ' અને 'તરત'. '૩૧મી જુલાઈ' મારી સૂચના હતી. મારે તો નિશ્ચિત તારીખની જરૂર હતી, જેથી તે મુદ્દતમાં કંઈ ન થાય તો પછી શું કરવું અથવા શું થઈ શકે તેની સૂઝ પડે. સર લલ્લુભાઈની સૂચના 'તરત' શબ્દ મૂકવાની થઈ. તેમણે કહ્યું, ૩૧મી જુલાઈ' કરતાં તો 'તરત' વધારે જલદી સૂચવનારો શબ્દ છે.મેં સમજાવવા પ્રયત્ન કર્યો કે પ્રજા 'તરત' શબ્દ ન સમજી શકે. પ્રજાની પાસેથી કંઈ કામ લેવું હોય તો એની પાસે નિશ્ચયાત્મક શબ્દ હોવો જોઈએ. 'તરત'નો અર્થ તો સૌ પોતપોતાની મરજી પ્રમાણે કરે. સરકાર એક કરે, પ્રજા બીજો કરે. '૩૧મી જુલાઈ'નો અર્થ બધા એક જ કરે; ને તે તારીખ લગી છુટકારો ન થાય તો આપણે શું પગલું લેવું એ સમજી શકીએ. આ દલીલ ડૉ. રીડને ગળે તરત્ ઊતરી. છેવટે સર લલ્લુભાઈને પણ ૩૧મી તારીખ રુચી ને ઠરાવમાં એ તારીખ મુકાઈ. જાહેર સભામાં એ ઠરાવ મુકાયો, ને બધે ૩૧મી જુલાઈ અંકાઈ.

મુંબઈથી શ્રી જાયજી પિટીટની અથાગ મહેનતથી સ્ત્રીઓનું એક ડેપ્યુટેશન વાઇસરૉય પાસે ગયું. તેમાં લેડી તાતા, મરહૂમ દિલશાદ બેગમ વગેરે હતાં. બધી બહેનોનાં નામ તો મને યાદ નથી, પણ એ ડેપ્યુટેશનની અસર બહુ સારી થઈ, ને ના. વાઇસરૉયે તેમને આશાભર્યો ઉત્તર આપ્યો હતો.

કરાંચી, કલકત્તા વગેરે જગ્યાઓએ પણ હું પંહોચી વળ્યો હતો. બધે ઠેકાણે સરસ સભાઓ થયેલી, ને બધે ઠેકાણે લોકોનો ઉત્સાહ ખૂબ હતો. જ્યારે આરંભ કર્યો ત્યારે આવી સભાઓ થવાની કે આટલી સંખ્યામાં લોકોની હાજરીની મેં આશા રાખી નહોતી.