પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ અરસામાં મારી મુસાફરી એકલા જ થતી, તેથી અનુભવો અલૌકિક મળતા હતા. ડિટેક્ટિવો તો પાછળ હોય જ. એમની સાથે મને તકરારનું કારણ જ ન હોય. મારે કંઈ છુપાવવાનું ન હોય એટલે તેઓ મને ન પજવતા, હું તેમને ન પજવતો. સુભાગ્યે એ વખતે મને 'મહાત્મા'ની છાપ નહોતી મળી, જોકે જ્યાં હું ઓળખાતો હતો ત્યાં એ નામે પોકાર તો પડતા. એક વખત રેલવેમાં જતાં ઘણે સ્ટેશને ડિટેક્ટિવ મારી ટિકીટ જોવા આવે, નંબર વગેરે લે. હું તો તરત તેઓ જે પ્રશ્ન પૂછે તેનો જવાબ આપી દેતો. પડોશી ઉતારુઓએ માનેલું કે હું કોઈ સાદો સાધુ કે ફકીર છું. બેચાર સ્ટેશને ડિટેક્ટિવ આવ્યા, એટલે આ ઉતારુઓ ચિડાયા, ને પેલા ડિટેક્ટિવને ગાળ દઈ ધમકાવ્યો.

'ઇસ બિચારે સાધુકો નાહક ક્યોં સતાતે હો ?' મારી તરફ વળીને કહ્યું, 'ઇન બદમાશોંકો ટિકટ મત બતાઓ.'

મેં હળવેથી આ ઉતારુઓને કહ્યું, 'તેઓ ટિકિટ જુએ છે તેમાં મને કશી હેરાનગતિ નથી, તેઓ તેમની ફરજ બજાવે છે, તેમાં મને કંઈ દુ:ખ નથી.' ઉતારુઓને આ વાત ગળે ન ઊતરી, ને તેઓ મારી વધારે દયા ખાવા લાગ્યા, ને અરસપરસ વાતો કરવા લાગ્યા કે નિર્દોષ માણસોને આવી હલાકી શાને સારુ હોય ?

ડિટેક્ટિવોની તો મને કશી તકલીફ ન જણાઈ. પણ રેલવેની ભીડની તકલીફનો કડવો અનુભવ મને લાહોરથી દિલ્હીની વચ્ચે થયેલો. કરાંચીથી કલકત્તા લાહોરને રસ્તે જવાનું હતું. લાહોર ટ્રેન બદલવાની હતી. ત્યાંની ટ્રેનમાં મારો પત્તો ક્યાંયે લાગે તેમ નહોતું. ઉતારુઓ બળાત્કારે પોતાનો માર્ગ કરી લેતા હતા. ડબ્બો બંધ હોય તો બારીમાંથી અંદર ગરે. મારે કલકત્તે નીમેલી તારીખે પહોંચવાનું હતું. આ ટ્રેન ખોઉં તો કલકત્તે ન પહોંચાય. હું જગ્યા મળવાની આશા છોડતો હતો. કોઈ મને પોતાના ડબ્બામાં ન લે. છેવટે એક મજૂરે મને જગ્યા શોધતો જોઈ કહ્યું, 'મને બાર આના આપો તો હું જગ્યા અપાવું.' મેં કહ્યું, 'મને જગ્યા અપાવે તો જરૂર બાર આના આપું.' બિચારો મજૂર ઉતારુઓને કરગરે, પણ કોઈ મને સંઘરવા તૈયાર ન થાય. ટ્રેન ચાલવાની તૈયારી હતી. એક ડબ્બાના કેટલાક ઉતારુઓ બોલ્યા, 'યહાં જગહ નહીં હૈ, લેકિન ઇસકે ભીતર