પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘુસા સકતે હો તો ઘુસા દો. ખડા રહના હોગા.' મજૂર બોલ્યો, 'ક્યોં જી ?' મેં હા પાડી ને મને તો ઉપાડીને તેણે બારીમાંથી અંદર ફેંક્યો. હું અંદર ઘૂસ્યો, પેલો મજૂર બાર આના કમાયો.

મારી આ રાત કઠણ ગઈ. બીજા ઉતારુઓ જેમતેમ બેઠા. હું ઉપરની બેઠકની સાંકળ ઝાલીને બે કલાક ઊભો જ રહ્યો. દરમિયાન કેટલાક ઉતારુઓ મને ધમકાવ્યા જ કરતા હતા: 'અજી અબ તક ક્યોં નહીં બેઠતા હૈ?' મેં ઘણુંયે સમજાવ્યું કે ક્યાંયે જગ્યા નથી. પણ એ તો મારું ઊભા રહેવું સહન જ ન કરે. જોકે તે ઉપરની બેઠકમાં આરામથી લાંબા થઈ પડ્યા હતા. ઘણી વાર પજવે. જેમ પજવે તેમ હું શાંતિથી જવાબ દેતો હતો, તેથી તેઓ કંઈક શાંત પડ્યા. મારું નામઠામ પૂછ્યું. જ્યારે મારે નામ આપવું પડ્યું ત્યારે તેઓ શરમાયા. માફી માગીને મને પોતાની પડખે જગ્યા કરી આપી. 'ધીરજનાં ફળ મીઠાં'ની કહેવત યાદ આવી. હું ખૂબ થાક્યો હતો, માથું ફરતું હતું. બેસવાની જગ્યાની ખરી જરૂર હતી ત્યારે ઈશ્વરે આપી.

આમ અથડાતો અથડાતો કલકત્તા વખતસર પહોંચ્યો. કાસિમબજારના મહારાજાનું તેમને ત્યાં ઊતરવાનું મને આમંત્રણ હતું. તેઓ જ કલકત્તાની સભાના પ્રમુખ હતા. જેમ કરાંચીમાં તેમ કલકત્તામાં લોકોનો ઉત્સાહ ઊભરાઈ જતો હતો. થોડા અંગ્રેજોની પણ હાજરી હતી.

૩૧મી જુલાઈ પહેલાં ગિરમીટની પ્રથા બંધ થવાનો ઠરાવ બહાર પડ્યો. સન ૧૮૯૪ની સાલમાં આ પ્રથાને વખોડનારી પહેલી અરજી મેં ઘડી હતી, ને કોઈક દિવસે આ 'અર્ધ ગુલામગીરી' રદ થશે જ એમ આશા રાખી હતી. ૧૮૯૪થી શરૂ થયેલા આ પ્રયત્નમાં ઘણાની મદદ હતી. પણ આની પાછળ શુદ્ધ સત્યાગ્રહ હતો એમ કહ્યા વિના નથી રહેવાતું.

આ કિસ્સાની વધારે વિગત અને તેમાં ભાગ લેનારાં પાત્રોની હકીકત દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસમાં વાંચનારને વધારે મળશે.