પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સંભળાવનાર રામચંદ્રજીના એક પરમ ભકત, બીલેશ્ર્વરના લાધા મહારાજ કરીને હતા. તેમને વિશે એક કહેવાતું કે, તેમને કોઢ નીકળ્યો હતો તેની દવા કરવાને બદલે તેમણે બીલેશ્ર્વરનાં બીલીપત્ર જે મહાદેવ ઉપરથી ઊતરતાં તે કોઢિયેલ ભાગ ઉપર બાંધ્‍યાં ને કેવળ રામનામનો જાપ આદર્યો. અંતે તેમનો કોઢ જડમૂળથી નાશ પામ્યો. આ વાત ખરીહો કે ન હો, અમે સાંભળનારાઓએ ખરી માની. એટલું પણ ખરું કે લાધા મહારાજે જયારે કથાનો આરંભ કર્યો ત્‍યારે તેમનું શરીર તદ્દન નીરોગી હતું. લાધા મહારાજે જયારે કંઠ મીઠો હતો. તેઓ દોહાચોપાઇ ગાતા ને અર્થ સમજાવતા. પોતે તેના રસમાં લીન થઇ જતા અને શ્રોતાજનને લીન કરી મૂકતા. મારી ઉંમર આ સમયે તેર વર્ષની હશે, પણ મને તેમના વાચનમાં ખૂબ રસ આવતો એ યાદ છે. આ રામાયણ – શ્રવણ મારા રામાયણ પરના અત્‍યંત પ્રેમનો પાયો છે. આજે હું તુલસીદાસના રામાયણને ભકિતમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણું છું.

થોડા માસ પછી અમે રાજકોટમાં આવ્‍યા. ત્‍યાં આવું વાચન નહોતું. એકાદશીને દિવસે ભાગવત વંચાય ખરું. તેમાં કોઇ વેળા હું બેસતો, પણ ભટજી રસ ઉત્‍પન્‍ન નહોતા કરી શકયા. આજે હું જોઇ શકું છું કે ભાગવત એવો ગ્રંથ છે કે જે વાંચીને ધર્મરસ ઉત્‍પન્‍ન કરી શકાય. મેં તો તે ગુજરાતીમાં અતિ રસથી વાંચ્યો છે. પણ મારા એકવીસ દિવસના ઉપવાસમાં ભારતભૂષણ પંડિત મદનમોહન માલવિયાજીને શુભ મુખેથી મૂળ સંસ્‍કૃતના કેટલાક ભાગો સાંભળ્યા ત્‍યારે એમ થયું કે બચપણમાં તેમના જેવા ભગવદભકતને મોઢેથી સાંભળત તો તેના ઉપર પણ મારી ગાઢ પ્રીતિ બચપણમાં જ જામત. તે વયમાં પડેલા શુભ-અશુભ સંસ્‍કારો બહુ ઊંડાં મૂળ ઘાલે છે એમ હું ખૂબ અનુભવું છું, અને તેથી કેટલાક ઉત્તમ ગ્રંથો સાંભળવાનું મને તે વયે ન મળ્યું એ સાલે છે.

રાજકોટમાં મને અનાયાસે સર્વ સંપ્રદાયો વિશે સમાન ભાવ રાખવાની તાલીમ મળી. હિંદુ ધર્મના પ્રત્‍યેક સંપ્રદાય પ્રત્‍યે આદરભાવ શીખ્‍યો, કેમ કે માતપિતા હવેલીએ જાય, શિવાલયમાં જાય અને રામમંદિર પણ જાય અને અમને ભાઇઓને લઇ જાય અથવા મોકલે.

વળી પિતાજી પાસે જૈન ધર્માચાર્યોમાંથી કોઇ હંમેશા આવે. પિતાજી