પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૨. ગળીનો ડાઘ

ચંપારણ જનક રાજાની ભૂમિ છે. ચંપારણમાં જેમ આંબાનાં વન છે તેમ ત્યાં સને ૧૯૧૭માં ગળીનાં ખેતરો હતાં. પોતાની જ જમીનના ભાગમાં ચંપારણના ખેડૂતો ગળીનું વાવેતર તેના મૂળ માલિકોને સારુ કરવા કાયદેથી બંધાયેલા હતા. આનું નામ 'તીનકઠિયા' કહેવાતું હતું. વીસ કઠાનો ત્યાંનો એક એકર ને તેમાંથી ત્રણ કઠાનું વાવેતર એનું નામ તીનકઠિયાનો રિવાજ.

મારે કબૂલ કરવું જોઈએ કે હું ત્યાં પહોંચ્યો તેના પહેલાં ચંપારણનાં નામનિશાન જાણતો નહોતો. ગળીનું વાવેતર થાય છે એ ખ્યાલ પણ નહીં જેવો જ હતો. ગળીની ગોટીઓ જોઈ હતી, પણ એ ચંપારણમાં બનતી હતી ને તેને અંગે હજારો ખેડૂતોને દુ:ખ વેઠવું પડતું હતું એની કશી ખબર નહોતી.

રાજકુમાર શુક્લ કરીને ચંપારણના એક ખેડૂત હતા. તેમની ઉપર દુ:ખ પડેલું. એ દુ:ખ એમને કઠતું હતું. પણ તેમને આ ગળીના ડાઘ બધાને સારુ ધોઈ નાખવાની ધગશ પોતાના દુ:ખમાંથી થઇ આવી હતી.

લખનૌની મહાસભામાં હું ગયો ત્યાં આ ખેડૂતે મારો કેડો પકડ્યો. 'વકીલ બાબુ આપકો સબ હાલ બતાયેંગે,' એમ કહેતા જાય ને મને ચંપારણ જવાને નોતરતા જાય.

વકીલ બાબુ તે મારા ચંપારણના પ્રિય સાથી, બિહારના સેવાજીવનના પ્રાણ બ્રજકિશોરબાબુ. તેમને રાજકુમાર શુક્લ મારા તંબૂમાં લાવ્યા. તેમણે કાળું આલપાકાનું અચકન, પાટલૂન વગેરે પહેરેલાં. મારી ઉપર કંઈ સારી છાપ ન પડી. મેં માની લીધું કે ભોળા ખેડૂતોને લૂંટનાર આ કોઈ વકીલ સાહેબ હશે.

મેં ચંપારણનો કિસ્સો તેમની પાસેથી થોડોક સાંભળ્યો. મારા રિવાજ પ્રમાણે મેં જવાબ દીધો, 'જાતે જોયા વિના આ વિષય ઉપર હું કંઈ અભિપ્રાય ન આપી શકું. તમે મહાસભામાં બોલજો. મને તો હમણાં છોડી જે દેજો.' રાજકુમાર શુક્લને મહાસભાની મદદ તો જોઈતી જ હતી. ચંપારણને વિશે મહાસભામાં બ્રજકિશોરબાબુ બોલ્યા ને દિલસોજીનો