પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાણીના છાંટા નોકરને અભડાવે. નોકર શું જાણે કે હું કઈ જાતનો હોઈશ. અંદરના પાયખાનાનો ઉપયોગ કરવાનું રાજકુમારે બતાવ્યું. નોકરે બહારના પાયખાના તરફ આંગળી ચીંધી. મને આમાં ક્યાંયે મૂંઝાવાનું કે રોષનું કારણ નહોતું. આવા અનુભવોમાં હું રીઢો થયો હતો. નોકર તો પોતાનો ધર્મ પાળતો હતો, ને રાજેન્દ્રબાબુ પ્રત્યેની પોતાની ફરજ બજાવતો હતો. આ રમૂજી અનુભવોમાંથી રાજકુમાર શુક્લ વિશે જેમ મારું માન વધ્યું તેમ તેમને વિશે મારું જ્ઞાન પણ વધ્યું. પટણાથી મેં લગામ હાથ કરી.

૧૩. બિહારી સરળતા

મૌલાના મજહરુલ હક્ક અને હું એક વખત લંડનમાં ભણતા. ત્યાર બાદ અમે મુંબઇમાં ૧૯૧૫ની મહાસભામાં મળેલા. તે વર્ષે તેઓ મુસ્લિમ લીગના પ્રમુખ હતા. તેમણે જુની ઓળખાણ કાઢી મને પટણા જાઉં ત્યારે તેમને ત્યાં જવાનું આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણને આધારે મેં તેમને ચિઠ્ઠી મોકલી ને મારું કામ જ્ણાવ્યું. તેઓ તુરત પોતાની મોટર લાવ્યા ને મને પોતાને ત્યાં લઇ જવાનો આગ્રહ કર્યો. મેં તેમનો ઉપકાર માન્યો ને મારે જ્યાં જવાનું હતું ત્યા મને પહેલી ટ્રેનથી રવાના કરી દેવાનું કહ્યું. રેલવે ગાઇડથી મને ખબર પડી શકે તેમ નહોતું. તેમણે રાજકુમાર શુક્લ સાથે વાત કરી ને મારે પ્રથમ તો મુઝફ્ફરપુર જવું જોઇએ એમ સૂચવ્યું. તે જ દિવસે સાંજે મુઝફ્ફરપુરની ટ્રેન જતી હતી તેમાં મને તેમણે રવાના કર્યો. મુઝફ્ફરપુરમાં તે વખતે આચાર્ય કુપલાની રહેતા હતા. તેમને હું ઓળખતો હતો. હૈદરાબાદ ગયો ત્યારે તેમના મહાત્યાગની, તેમના જીવનની ને તેમના દ્રવ્યથી ચાલતા આશ્રમની વાત દા. ચોઇથરામને મોઢેથી સાંભળી હતી. તે મુઝફ્ફરપુર કોલેજમાં પ્રોફેસર હતા. તેમાંથી પરવારી બેઠા હતા. મે તેમને તાર કર્યો. મુઝફ્ફરપુર ટ્રેન મધરાતે પહોંચતી હતી. તે પોતાના શિષ્યમંડળને લઇને હાજર થયા હતા. પણ તેમને ઘરબાર નહોતાં. તે અધ્યાપક મલકાનીને ત્યાંની કોલેજના પ્રોફેસર હતા, અને તે વખતના વાતાવરણમાં સરકારી કોલેજના પ્રોફેસરે મને સંઘરવો એ અસાધારણ પગલું ગણાય.