પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃપલાનીજીએ બિહારની અને તેમાંય તિરહુત વિભાગની દીન દશાની વાત કરી ને મારા કામની કઠણાઇનો ખ્યાલ આપ્યો. કુપલાનીજીએ બિહારીઓ સાથે ગાઢ સંબંધ બાંધી લીધો હતો. તેમણે મારા કામની વાત તેમને કરી મૂકી હતી. સવારે નાનકડું વકીલમંડળ મારી પાસે આવ્યું. તેમાંની રામનવમીપ્રસાદ મને યાદ રહી ગયા છે.તેમણે પોતાના આગ્રહથી મારું ધ્યાન ખેંચ્યું.

'તમે જે કામ કરવા આવ્યા છો તે આ જગ્યાએથી ન થાય. તમારે તો અમારા જેવાને ત્યાં રહેવું જોઇએ. ગયાબાબું અહીંના જાણીતા વકિલ છે. તેમની વતી હું તેમને ત્યાં ઊતરવાનો આગ્રહ કરું છું. અમે બધા સરકારથી ડરીએ તો છીએ જ. પણ અમારાથી બને તેટલી મદદ અમે તમને દઇશું. રાજકુમાર શુકલની ઘણી વાત સાચી જ છે. દુ:ખ એ છે કે અમારા આગેવાન આજ અહીં નથી. બાબુ બ્રજકિશોરપ્રસાદને અને રાજેન્દ્રપ્રસાદને મે તાર કર્યો છે. બંને અહીં તુરત આવી જશે ને તમને પૂરી માહિતી ને મદદ આપી શકશે. મહેરબાની કરીને તમે ગયાબાબુને ત્યાં ચાલો.'

આ ભાષણથી હું લોભાયો. મને સંઘરવાથી ગયાબાબુની સ્થિતિ કફોડી થાય એવા ભયથી મને સંકોચ હતો. પણ ગયાબાબુએ મને નિશ્વિત કર્યો.

હું ગયાબાબુને ત્યાં ગયો. તેમણે અને તેમનાં કુટુંબીજનોએ મને પ્રેમથી નવરાવ્યો.

બ્રજકિશોરબાબું દરભંગાથી આવ્યા. રાજેન્દ્રબાબુ પુરીથી આવ્યા. અહીં જોયા તે લખનૌના બ્રજકિશોરપ્રસાદ નહીં. તેમનામાં બિહારીની નમ્રતા, સાદાઇ, ભલમનસાઇ, અસાધારણ શ્રધ્દ્રા જોઇને મારું હૈયું હષથી ઊભરાઇ ગયું. બિહારી વકીલમંડળનું બ્રજકિશોરબાબુના પ્રત્યેનું માન જોઇ હું સાનંદાશ્રર્ય પામ્યો.

આ મંડળ વચ્ચે ને મારી વચ્ચે જન્મની ગાંઠ બંધાઇ.

બ્રજકિશોરબાબુએ મને બધી હકીકતથી વાકેફ કર્યો. તેઓ ગરીબ ખેડુતોને સારુ કેસો લડતા. એવા બે કેસો ચાલી રહ્યા હતા. આવા કેસો કરી કંઇક વ્યક્તિગત આશ્વાસન મેળવતા. કોઇ વાર તેમાં પણ નિષ્ફળ જતા. આ ભોળા ખેડૂતોની પાસેથી ફી તો લેતા જ. ત્યાગી છતાં