પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યાં પહોચવું જોઇએ.

ચંપારણ તિરહુત વિભાગનો જિલ લો અને મોતીહારી તેનું મુખ્ય શેહેર. બેતીયાની આસપાસ રાજકુમાર શુકલનું મકાન હતું,ને તેની આસપાસની કોઠીઓના ખેડૂતો વધારેમાં વધારે રંક હતા. તેમની હલત બતાવવાનો રાજકુમાર શુકલનો લોભ હતો. ને મને હવે તે જોવાની ઇચ્છા હતી.

તેથી સાથીઓને લઇને હું તે જ દિવસે મોતીહારી જવા ઊપડયો. મોતીહારીમાં ગોરખબાબુએ આશ્રમ આપ્યો ને તેમનું ઘર ધર્મશાળા થઇ પડયું.અમે બધા માંડ માંડ તેમાં સમાઇ શકતા હતા. જે દિવસે પહોંચ્યા તે જ દિવસે સાંભળ્યુ કે મોતીહારીથી પાંચેક માઇલ દૂર એક ખેડૂત રહેતો હતો તેની ઉપર અત્યાચાર થયા હતા. તેને જોવા મારે ધરણીધરપ્રસાદ વકીલને લયને સવારે જવું, આવો નિશ્વય કર્યો. અમે સવારે હાથી ઉપર સવારી કરીને નીકળી પડયા. ચંપારણમાં હાથીનો ઉપયોગ જેમ ગુજરાતમાં ગાસાનો થાય છે એમ લગભગ થાય છે. અધેં રસ્તે પહોંચ્યા ત્યાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનો માણસ આવી પહોંચ્યો ને મને કહ્યું : 'તમને સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ સલામ દેવડાવે છે.' હું સમજ્યો. ધરણીધરબાબુને મેં આગળ જવાનું કહ્યું. હું પેલા જાસૂસની સાથે તેણે ભાડે લીધેલી ગાડીમાં બેઠો. તેણે ચંપારણ છોડવાની નોટિસ મને આપી. મને ઘેર લઇ ગયા ને મારી સહી માગી. મેં જવાબ લખી આપ્યો કે, હું ચંપારણ છોડવા ઇચ્ચતો નથી, ને મારે તો આગળ વધવું છે ને તપાસ કરવી છે. બહિષ્કારના હુકમનો અનાદર કરવા સારુ બીજે જ દિવસે કોર્ટમાં હાજર રહેવાનો સમન મળ્યો.

આખી રાત જાગીને મેં મારે જે કાગળો લખવાના હતા તે લખ્યા, ને જે જે સૂચનાઓ આપવી હતી તે બ્રજકિશોરબાબુને આપી.

સમનની વાત એક ક્ષણમાં બધે ફેલાઇ ગઇ, અને લોકો કહેતા હતા કે કદી નહીં જોયેલું એવું દ્દશ્ય મોતીહારીમાં જોવામાં આવ્યું. ગોરખબાબુનું ઘર અને કચેરી લોકોથી ઊભરાઇ ઊઠયાં. સારે નસીબે મેં મારું બધું કામ રાતના આટોપી લીધું હતું, તેથી આ ભીડને હું પહોચી વળ્યો. સાથીઓની કિમત મને પૂરેપૂરી જણાઇ આવી. તેઓ લોકોને નિયમમાં રાખવામાં ગૂંથાઇ ગયા. કચેરીમાં જયાં જાઉં ત્યા ટોળેટોળાં મારી પાછળ