પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવે. કલેકટર, મૅજિસ્ટ્રેટ, સુપરિન્ટેન્ડેન્ટ વગેરે અને મારી વચ્ચે પણ એક જાતની ગાંઠ બંધાઇ. સરકારી નોટિસો વગેરેની સામે કાયદેસર વિરોધ કરવો હોત તો હું કરી શકતો હતો. તેને બદલે તેમની બધી નોટિસોના મારા સ્વીકારથી ને અમલદારોની સાથેના જાતિપરિચયમાં વાપરેલી મીઠાશથી તેઓ સમજી ગયા કે, મારે તેમનો વિરોધ નથી કરવો પણ તેમના હુકમનો વિનયી વિરોધ કરવો છે. તેથી તેમને એક પ્રકારની નિર્ભયતા મળી. મારી કનડગત કરવાને બદલે તેમણે લોકોને નિયમમાં રાખવા સારુ મારી ને સાથીઓની મદદનો ખુશીથી ઉપયોગ કર્યો. પણ સાથે તેઓ સમજી ગયા કે તેમની સતા આજથી અલોપ થઇ. લોકો ક્ષણભર દંડનો ભય તજી તેમના નવા મિત્રના પ્રેમની સતાને વશ થયા.

યાદ રાખવાનું છે કે ચંપારણમાં મને કોઇ ઓળખતું નહોતું. ખેડૂતવર્ગ સાવ અભણ હતો. ચંપારણ ગંગાને પેલે પાર છેક હિમાલયની તળેટીએ નેપાળની નજીકનો પ્રદેશ, એટલે નવી દુનિયા. અહીં મહાસભાનું નામ ન મળે. મહાસભાના કોઈ સભ્યો ન મળે. જેમણે નામ સાંભળ્યું હોય તે નામ લેતાં કે તેમાં ભળતાં ડરે. આજે મહાસભાના નામ વિના મહાસભાએ ને મહાસભાના સેવકોએ પ્રવેશ કર્યો, ને મહાસભાની આણ વતીં.

સાથીઓની સાથે મસલત કરી મેં નિશ્વય કર્યો હતો કે મહાસભને નામે કંઇ જ કામ કરવું નથી. નામનું નહીં પણ કામનું કામ છે. ટપટપનું નહીં પણ મમમમનું કામ છે. મહાસભાનું નામ અળખામણું છે. આપ્રદેશમાં મહાસભાનો અર્થ વકીલોની મારામારી, કયદાની બારીઓથી સરકી જવાના પ્રયત્નો. મહાસભા એટલે બૉમ્બગિળા, મહાસભા એટલે કહેણી એક, કરણી બીજી. આવી સમજણ સરકારમાં અને સરકારની સરકાર ગળીના માલીકોમાં હતી. મહાસભા આ નથી, મહાસભા બીજી જ વસ્યુ છે, એમ અમારે સિદ્ધ કરવાનું હતું. તેથી અમે મહાસભાનું નામ જ કયાંયે ન લેવાનો ને લોકોને મહાસભાના ભૌતિક દેહનો પરિચય ન કરાવવાનો નિશ્વય કર્યો હતો. તેઓ તેના અક્ષરને ન જાણતાં તેના આત્માને જાણે ને અનુસરે તો બસ છે, તે જ ખરું છે, એમ અમે વિચારી મૂકયું હતું.

એટલે મહાસભાની વતી કોઇ છૂપા કે જાહેર જાસૂસો મારફત કાંઇ ભૂમિકા તૈયાર કરવામાં આવી નહોતી. રજકુમારશુકલમાં હજારો લોકોમાં