પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રવેશ કરવાની શક્તિ નહોતી. તેમનામાં કોઇએ આજ લગી રાજ્યપ્રકરણી કામ કર્યું જ નહોતું. ચંપારણની બહારની દુનિયાને તેઓ જાણતા નહોતા. છતાં તેઓનો અને મારો મેળાપ જૂના મિત્રો જેવો લાગ્યો. તેથી મેં ઇશ્વરનો, અહિસાનો અને સત્યનો સાક્ષાત્કાર કર્યો, એમ કહેવામાં અતિશયોક્તિ નથી, પણ અક્ષરશ: સત્ય છે. એ સાક્ષાત્કારનો મારો અધિકાર તપાસું છું તો મને લોકો પ્રત્યેના પ્રેમ સિવાય કંઇ જ નથી મળતું. આ પ્રેમ તે પ્રેમ અથવા અહિંસાને વિષે રહેલી મારી અચલિત શ્રધ્દ્રા.

ચંપારણનો આ દિવસ મારા જીવનમાં કદી ન ભુલાય એવો હતો. આ મારે સારુ ને ખેદૂતોને સારુ એક ઉત્સવનો દિવસ હતો. સરકારી કાયદા પ્રમાણે મુકદમો મારી સામે ચાલવાનો હતો. પણ ખરું જોતાં તો મુકદમો સરકારની સામે હતો. કમિશનરે મારી સામે રચેલી જાળમાં તેણે સરકારને ફસાવી.

૧૫. કેસ ખેંચાયો

કેસ ચાલ્યો. સરકારી વકીલ, મૅજીસ્ટ્રેટ વગેરે ગભરાયેલા હતા. શું કરવું તે તેમને સૂઝતું નહોતું. સરકારી વકીલ સુનાવણી મુલતવી રાખવાની માગણી કરી રહ્યો હતો. હું વચ્ચે પડ્યો ને મેં વિનંતી કરી કે મુલતવી રાખવાની કશી જરૂર નથી, કેમ કે મારે ચંપારણ છોડવાની નોટિસનો અનાદર કર્યાનો ગુનો કબૂલ કરવો છે. એમ કહીને મેં બહુ જ નાનકડું બયાન તૈયાર કર્યું હતું તે વાંચી ગયો. તે આ પ્રમાણે હતું :

’ફોજદારી કામ ચલાવવાની રીતના કાયદાની ૧૪૪મી કલમ મુજબ કરેલા હુકમનો દેખીતો અનાદર કરવાનું ગંભીર પગલું મારે કેમ લેવું પડ્યું તે વિષે ટૂંકું બયાન અદાલતની પરવાનગીથી રજૂ કરવા ઇચ્છું છું. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે એ અનાદરનો સવાલ નથી, પણ સ્થાનિક સરકાર અને મારી વચ્ચે મતભેદનો સવાલ છે. હું આ પ્રદેશમાં જનસેવા અને દેશસેવા કરવાના જ હેતુથી દાખલ થયો. રૈયત સાથે નીલવરો ન્યાયથી વર્તતા નથી એ કારણે તેમને મદદ કરવાને આવવાનો ભારે આગ્રહ મને થયો એટલે જ મારે આવવું પડ્યું છે. આખા પ્રશ્નના અભ્યાસ વિના હું તેમને મદદ શી રીતે કરી શકું ?